: થાણે પોલીસની બાતમીના આધારે કામગીરી
: પોલીસે બંનેના નિવાસ્થાન પરથી નોટો છાપવાનું મશીન, કાગળના ટુકડા અને અન્ય ચીજવસ્તુઓ પણ જપ્ત કરી
મુંબઈ – થાણેમાં પોલીસે રુ. ૧.૦૮ લાખની નકલી ચલણી નોટો સાથે બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. થાણે
પોલીસે બાતમીના આધારે બે જૂનના રોજ મીરા રોડના વિનય નગર વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરી હતી અને બંને પાસેથી રુ. ૫૦૦ની ૨૬ નકલી નોટો જપ્ત કરવામાં આવી હતી. આ કેસમાં ૨૪ વર્ષીય સુપર્ણા મન્ના અને ૨૦ વર્ષીય સૂર્યદેવ ગાયનની ધરપકડ કરવામાં આવી હતી.
પોલીસને આ બંનેના નિવાસ્થાનની તપાસમાં જાણવા મળ્યુ હતું કે તેમની પાસે વધુમાં ૫૦૦ ની ૧૯૦ નકલી નોટો છે. આ તમામ જપ્ત કરાયેલી ચલણી નોટોની મૂળ કિંમત રુ. ૧.૦૮ લાખ હોવાનો અંદાજ છે. આગળ પોલીસની ટીમે વધુમાં અહીંથી નકલી નોટો છાપવા માટે વપરાતું પ્રિન્ટર, કાગળના ટુકડા અને અન્ય ચીજવસ્તુઓ પણ જપ્ત કરી હતી.
પોલીસે બંને આરોપી સામે કલમ ૧૭૮ (સિક્કા, સરકારી સ્ટેમ્પ, ચલણી નોટો અથવા બેંક નોટોની નકલ) અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત જોગવાઈઓ હેઠળ કેસ નોંધ્યો હતો અને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.