Home Blog

Business : એક જ અઠવાડિયામાં સોના-ચાંદીના ભાવમાં મોટો ઉલટફેર, ચાંદી ₹10,000 અને સોનું ₹3,000થી વધુ ગગડ્યું

0

Gold-Silver Price : સોના અને ચાંદીની કિંમતોમાં આ અઠવાડિયે મોટો ઘટાડો નોંધાયો છે. ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (IBJA)ના આંકડા અનુસાર, 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 3,004 રૂપિયા ઘટીને 1,46,426 રૂપિયા થયો છે.
બીજી તરફ, ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ 10,191 રૂપિયાનો ઘટાડો થતાં કિંમત 2,10,918 રૂપિયા પર આવી પહોંચી છે. કિંમતી ધાતુઓમાં આવેલી આ નરમાઈને કારણે રોકાણકારો અને ઘરેણાં ખરીદવાનું આયોજન કરતા લોકોનું ધ્યાન બજાર તરફ ખેંચાયું છે.

24 કેરેટથી 18 કેરેટ સુધી સોનું સસ્તું

આ અઠવાડિયે સોનાની અલગ-અલગ શુદ્ધતાના ભાવમાં પણ ઘટાડો થયો છે. IBJAના આંકડા પ્રમાણે, 24 કેરેટ સોનાની કિંમત અગાઉ પ્રતિ 10 ગ્રામ 1,49,430 રૂપિયા હતી, જે ઘટીને 1,46,426 રૂપિયા થઈ છે. 22 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,36,878 રૂપિયાથી ઘટીને 1,34,126 રૂપિયા થયો છે. જ્યારે 18 કેરેટ સોનાની કિંમત 1,12,073 રૂપિયાથી ઘટીને 1,09,820 રૂપિયા થઈ છે. આ આંકડા દર્શાવે છે કે અઠવાડિયા દરમિયાન સોનાના ભાવ ઘટ્યા છે. જોકે, સ્થાનિક ઝવેરીઓ પાસે ખરીદી કરતી વખતે મેકિંગ ચાર્જ, GST અને અન્ય લાગુ પડતા ખર્ચને કારણે અંતિમ કિંમત અલગ હોઈ શકે છે.

અઠવાડિયા દરમિયાન ક્યારે સૌથી ઊંચા અને નીચા રહ્યા ભાવ?

IBJAના આંકડા અનુસાર, 12 ઑક્ટોબર 2026ના રોજ 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ 1,48,425 રૂપિયાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. ત્યારબાદ 17 ઑક્ટોબરના સવારના સત્રમાં ભાવ ઘટીને 1,45,564 રૂપિયા થયો હતો.ચાંદીના ભાવમાં પણ આવી જ નરમાઈ જોવા મળી હતી. 12 ઑક્ટોબરના રોજ ચાંદી પ્રતિ કિલોગ્રામ 2,20,874 રૂપિયાના સ્તરે હતી, જ્યારે 17 ઑક્ટોબરે તેનો ભાવ ઘટીને 2,07,098 થયો હતો. IBJA સામાન્ય રીતે દરરોજ સવાર અને સાંજના સત્રમાં સોના-ચાંદીના સંદર્ભ ભાવ જાહેર કરે છે. અઠવાડિયાના અંતે દર્શાવેલા ભાવ અને દિવસ દરમિયાન નોંધાયેલા ઊંચા-નીચા ભાવ અલગ હોઈ શકે છે.

સોના-ચાંદીના ભાવ કેમ ઘટી રહ્યા છે?

આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પ્રતિ ઔંસ આશરે 4,186 ડૉલર અને ચાંદી પ્રતિ ઔંસ આશરે 57 ડૉલરના સ્તરે નોંધાઈ હતી. બજારના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે, કાચા તેલના ભાવમાં વધારો થવાથી ડૉલરને મજબૂતી મળી રહી છે, જે સોના-ચાંદીના ભાવ પર દબાણ ઊભું કરી શકે છે. આ ઉપરાંત, મોંઘવારી વધવાની આશંકા અને વ્યાજદરમાં વધારો થવાની સંભાવનાને કારણે રોકાણકારો કિંમતી ધાતુઓમાં રોકાણ ઘટાડે તેવી સ્થિતિ ઊભી થઈ શકે છે. પરિણામે સોના અને ચાંદીમાં વેચવાલી વધતાં ભાવ પર અસર પડી શકે છે. જોકે, સોના-ચાંદીના ભાવમાં આગળ પણ ઘટાડો ચાલુ રહેશે તેની ખાતરી નથી. ખરીદી કે રોકાણનો નિર્ણય લેતાં પહેલાં તાજા ભાવ, સ્થાનિક કર અને બજારની સ્થિતિ તપાસવી જરૂરી છે.

Technology : 6Gના યુગ માટે Jio સજ્જ, 3.60 લાખ ટાવર્સથી નેટવર્કને વધુ શક્તિશાળી બનાવવાની યોજના

0

રિલાયન્સ જિયો ભારતમાં ટેલિકોમ સેક્ટરની દિશા બદલવા માટે સતત નવા પગલાં લઈ રહ્યું છે. હવે કંપનીએ 6G કનેક્ટિવિટી તરફ ઝડપથી આગળ વધવાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. કંપનીના જણાવ્યા મુજબ, આગામી સમયમાં નવી ટેકનોલોજી માટે મોટા પાયે નવું નેટવર્ક ઊભું કરવાની જરૂર નહીં પડે, પરંતુ હાલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો જ પૂરેપૂરો ઉપયોગ કરવામાં આવશે.

360,000 ટાવર્સ સોફ્ટવેર અપગ્રેડથી સજ્જ થશે

રિલાયન્સ જિયોના ચેરમેન આકાશ અંબાણીએ એક મોટી જાહેરાત કરતા જણાવ્યું છે કે કંપની 6G કનેક્ટિવિટી આપવા માટે પોતાના 360,000 ટેલિકોમ ટાવર્સના હાલના નેટવર્કનો ઉપયોગ કરશે. આ પ્રક્રિયામાં મોટા પાયે સોફ્ટવેર અપગ્રેડ્સ કરવામાં આવશે, જેના કારણે નવું ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવાનો મોટો ખર્ચ બચી જશે. આ સ્માર્ટ પ્લાનથી કંપનીના નાણાંની બચત થશે અને કામગીરી પણ અત્યંત ઝડપી બનશે.

100 મિલિયન ઘરો સુધી બ્રોડબેન્ડનું લક્ષ્ય

જિયો માત્ર મોબાઈલ નેટવર્ક કે 6G સેવા પૂરતું સીમિત રહેવા માંગતું નથી. કંપની પોતાના ઇન-હાઉસ વાયરલેસ સોલ્યુશનની મદદથી દેશના 100 મિલિયન પરિવારો સુધી હોમ બ્રોડબેન્ડ સેવા પહોંચાડવાનું લક્ષ્ય રાખી રહી છે. ભારતમાં હાઈ-સ્પીડ ઈન્ટરનેટ દરેક ઘર સુધી પહોંચાડવા માટે આ એક મોટું પગલું સાબિત થશે.

ગ્લોબલ માર્કેટમાં ભારતીય ટેકનોલોજીનો દબદબો

આજે જિયો પાસે 7,220 જેટલી ટેકનોલોજી પેટન્ટ્સ નોંધાયેલી છે. કંપની હવે પોતાની આ સ્વદેશી ટેકનોલોજીને વૈશ્વિક સ્તરે લઈ જવા અને દુનિયાના અન્ય દેશોના નવા માર્કેટ્સમાં ભાગીદારો સાથે જોડાણ કરવા સક્રિય બની છે. કંપનીનો મજબૂત રેવન્યુ ગ્રોથ સાબિત કરે છે કે તે ઈનોવેશન પર મોટો વિશ્વાસ ધરાવે છે. પોતાની પાસે પહેલેથી ઉપલબ્ધ સાધનોનો શ્રેષ્ઠ ઉપયોગ કરીને જિયો ભવિષ્યની ડિજિટલ ક્રાંતિ માટે સંપૂર્ણપણે તૈયાર છે.

Navratri 2026 : નવરાત્રિમાં કન્યા પૂજન ક્યારે અને કેવી રીતે કરવું? જાણો અષ્ટમી-નવમીના જરૂરી નિયમો..

0

Navratri 2026 : નવરાત્રિ દરમિયાન કન્યા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્ત્વ છે. હિંદુ ધર્મમાં નાની બાળકીઓને દેવી દુર્ગાનાં સ્વરૂપ તરીકે પૂજવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, નવરાત્રિમાં કન્યાઓને ભોજન કરાવવાથી માતા દુર્ગાના આશીર્વાદ પ્રાપ્ત થાય છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ તથા સંપન્નતા આવે છે

નવરાત્રિના નવ દિવસ દરમિયાન કોઈપણ દિવસે કન્યા પૂજન કરી શકાય છે, પરંતુ મોટાભાગના ભક્તો મહાષ્ટમી અને મહાનવમીના દિવસે આ પરંપરા નિભાવે છે. આ પ્રસંગે નાની બાળકીઓને ઘરે આમંત્રિત કરીને તેમની પૂજા કરવામાં આવે છે અને ત્યારબાદ ખીર, પૂરી, કાળા ચણા તથા હલવાનો પ્રસાદ પીરસવામાં આવે છે. જો તમે પણ નવરાત્રિમાં કન્યા પૂજન કરવાના હો, તો આ સાત નિયમોનું ખાસ ધ્યાન રાખો.

કન્યાઓની સંખ્યાનું રાખો ધ્યાન

કન્યા પૂજનમાં નવ કન્યાઓને નવદુર્ગાનાં નવ સ્વરૂપોનું પ્રતીક માનવામાં આવે છે. તેથી નવ કન્યાઓને ભોજન કરાવવાની પરંપરા છે. જોકે, જો નવ કન્યાઓ એકસાથે ઉપલબ્ધ ન હોય, તો ધાર્મિક માન્યતા અનુસાર ત્રણ, પાંચ કે સાત કન્યાઓને પણ આમંત્રિત કરીને પૂજન કરી શકાય છે. પૂજામાં સંખ્યા કરતાં શ્રદ્ધા અને ભક્તિભાવનું વિશેષ મહત્ત્વ છે.

નાના બાળકને પણ આમંત્રિત કરો

કન્યા પૂજનની સાથે એક નાના બાળકને પણ ભોજન કરાવવાની પરંપરા છે. આ બાળકને બટુક ભૈરવ અથવા લંગૂરા તરીકે ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, બટુક ભૈરવને ભગવાન ભૈરવનું પ્રતીક માનવામાં આવે છે. તેથી કન્યા પૂજન દરમિયાન કન્યાઓની સાથે એક નાના બાળકને પણ આમંત્રિત કરવામાં આવે છે.

કન્યાઓનાં ચરણ ધોઈને પૂજન કરો

કન્યાઓ ઘરે આવે ત્યારે સૌપ્રથમ સ્વચ્છ પાણીથી તેમનાં ચરણ ધોવાની પરંપરા છે. ત્યારબાદ સ્વચ્છ કપડાથી પગ લૂછીને તેમને સ્વચ્છ આસન પર બેસાડવામાં આવે છે. આ વિધિ કન્યાઓ પ્રત્યે આદર અને સન્માન વ્યક્ત કરવાનું પ્રતીક છે.

કંકુ અને ચોખાથી તિલક કરો

કન્યાઓને આસન પર બેસાડ્યા બાદ તેમના કપાળ પર કંકુ અને અક્ષત એટલે કે ચોખાથી તિલક કરવામાં આવે છે. પરંપરા અનુસાર, તેમના પગમાં આલ્તા લગાવી શકાય છે અને લાલ ચુંદડી ઓઢાડવામાં આવે છે. આ રીતે કન્યાઓને દેવી સ્વરૂપ માનીને તેમનું સન્માન કરવામાં આવે છે.

સ્વચ્છતા અને સાત્ત્વિકતાનું રાખો ધ્યાન

કન્યા પૂજન પહેલાં પૂજા કરવાની જગ્યાને સ્વચ્છ રાખવી જોઈએ. કન્યાઓ માટે બનાવવામાં આવતું ભોજન પણ શુદ્ધ અને સાત્ત્વિક હોવું જોઈએ. પરંપરા અનુસાર, ભોજનમાં ડુંગળી અને લસણનો ઉપયોગ કરવામાં આવતો નથી. ભોજન બનાવતી વખતે સ્વચ્છતા જાળવવી પણ એટલી જ જરૂરી છે.

કન્યાઓને આ ભોજન ધરાવો
કન્યા પૂજનમાં સૂજીનો હલવો, કાળા ચણા, ખીર અને પૂરી પરંપરાગત પ્રસાદ તરીકે પીરસવામાં આવે છે. આ ઉપરાંત, ડુંગળી અને લસણ વગર બનાવેલું બટાકાનું શાક અથવા છોલે પણ પીરસી શકાય છે. ભોજન પીરસતાં પહેલાં માતા દુર્ગાને તેનો ભોગ ધરાવવાની પરંપરા છે.

દક્ષિણા અને ભેટ આપીને આશીર્વાદ લો

કન્યાઓ અને બટુકને ભોજન કરાવ્યા બાદ પોતાની ક્ષમતા અનુસાર દક્ષિણા અને ભેટ આપવાની પરંપરા છે. ત્યારબાદ કન્યાઓને આદરપૂર્વક વિદાય આપવામાં આવે છે. ધાર્મિક માન્યતા અનુસાર, આ દિવસે કન્યાઓનાં આશીર્વાદ લેવા શુભ માનવામાં આવે છે.

Bollywood : ‘રામાયણ’ના બજેટ પર યશે તોડ્યું મૌન, શું ખરેખર ₹4,000 કરોડમાં બની રહી છે ફિલ્મ?

0

રામાયણ આ વર્ષની સૌથી વધુ ચર્ચામાં રહેનારી ફિલ્મ છે. ફિલ્મની રિલીઝનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે. ફિલ્મના 2 ટ્રેલર રિલીઝ થઈ ગયા છે અને નવા ટ્રેલરે ફિલ્મ માટે ફેન્સની એક્સાઈટમેન્ટ વધારે વધારી દીધી છે. ફિલ્મ પોતાની જાહેરાત થઈ ત્યારથી જ ચર્ચામાં છે. બીજી તરફ આના બજેટને લઈને પણ ઘણી ચર્ચા થઈ હતી. પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાએ જણાવ્યું હતું કે આના બંને પાર્ટ્સનું બજેટ 4 હજાર કરોડ રૂપિયા છે. જોકે ઘણા લોકોને આ વાત ગળે ન ઉતરી. હવે આ મુદ્દા પર રાવણ બનેલા યશે પોતાની વાત મૂકી છે.

પ્રોડ્યુસર નમિત મલ્હોત્રાના સમર્થનમાં આવ્યા યશ

યશે નમિત મલ્હોત્રાના એ નિવેદનનું સમર્થન કર્યું છે જેમાં તેમણે જણાવ્યું હતું કે ફિલ્મનું બજેટ 4 હજાર કરોડ છે. યશે તાજેતરમાં બેંગલુરુમાં ફિલ્મના એક પ્રમોશનલ ઈવેન્ટમાં જણાવ્યું કે પોસ્ટ-પ્રોડક્શન અને પ્રમોશનના ખર્ચ પછી આ આંકડો 4 હજાર કરોડ સુધી પહોંચી જાય છે.

નમિત મલ્હોત્રાએ જ્યાં આ ફિલ્મને પ્રોડ્યુસ કરી છે તો યશ આના કો-પ્રોડ્યુસર પણ છે. તેમણે નમિત વિશે વાત કરતાં કહ્યું કે મારા પાર્ટનર અહીં હાજર નથી. તેઓ અત્યારે અમેરિકામાં છે. અમે ફિલ્મનું પ્રમોશન શરૂ કરી દીધું છે. હું જાણું છું કે તેમનું નિવેદન ખૂબ ચર્ચામાં રહ્યું હતું. ભારતમાં જો કોઈ પૂરા આત્મવિશ્વાસ સાથે પોતાની વાત રાખે છે તો લોકોને એ ગમતું નથી. નમિતના નિવેદન પછી પણ આવું જ થયું.

રામાયણના 4 હજાર કરોડના બજેટ પર શું બોલ્યા યશ?

યશે આગળ કહ્યું કે નમિતે પોતાના પૂરા કોન્ફિડન્સથી કહ્યું હતું કે રામાયણને 4 હજાર કરોડ રૂપિયાના બજેટમાં બનાવવામાં આવી રહી છે. અમે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીની તાકાતને ગ્લોબલ લેવલ પર સાબિત કરવા માગીએ છીએ.

દિવાળી પર રિલીઝ થશે ફિલ્મ

રામાયણનો પહેલો પાર્ટ 5 નવેમ્બર 2026 ના રોજ અને બીજો પાર્ટ 2027 ની દિવાળી પર રિલીઝ થશે. ફિલ્મમાં શ્રી રામના રોલમાં રણબીર કપૂર, રાવણના રોલમાં યશ અને માતા સીતાના રોલમાં સાઉથ એક્ટ્રેસ સાઈ પલ્લવી જોવા મળશે.

Sports : IND vs WI 5th T20Iમા ચાહકોની આશા પર પાણી ફરી વળ્યું, વરસાદના કારણે મેચ રદ,શ્રેણી 2-2ની બરાબરી પર સમાપ્ત

0

IND vs WI : ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી 5 મેચની રોમાંચક T20 આંતરરાષ્ટ્રીય શ્રેણીનો અંત ભારે ડ્રામા અને નિરાશા સાથે થયો છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાનારી શ્રેણીની પાંચમી અને નિર્ણાયક મેચ વરસાદના કારણે રદ કરવી પડી છે. આ સાથે જ ભારતીય ટીમ ઘરઆંગણે વેસ્ટ ઈન્ડિઝ સામે સિરીઝ જીતવાની સુવર્ણ તક ગુમાવી બેઠી છે અને શ્રેણી 2-2ની બરાબરી પર સમાપ્ત થઈ છે. આ મેચ ધોવાઈ જતાં ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક એવો અનોખો અને અનલકી સંયોગ બીજી વખત બન્યો છે, જે જાણીને ફેન્સ પણ ચોંકી જશે.

ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં બપોરથી જ વાદળછાયું વાતાવરણ હતું અને સાંજ પડતાની સાથે જ ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના કારણે મેચ સમયસર શરૂ થઈ શકી ન હતી. લાંબી રાહ જોયા બાદ અમ્પાયરોએ ઓવરો ઘટાડીને 9-9 ઓવરની મેચ રમાડવાનો નિર્ણય કર્યો હતો. વેસ્ટ ઈન્ડિઝે ટોસ જીતીને પહેલા બોલિંગ પસંદ કરી હતી. ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી અને 7.4 ઓવરની રમત રમાઈ ચૂકી હતી, ત્યાં જ ફરીથી મુશળધાર વરસાદ શરૂ થઈ ગયો. મેદાન પર પાણી ભરાઈ જવાના કારણે આખરે મેચને અધવચ્ચે જ રદ જાહેર કરવી પડી હતી.

શ્રેણીમાં ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે જોરદાર ટક્કર

આખી શ્રેણી દરમિયાન બંને ટીમોએ શાનદાર રમત બતાવી હતી.પ્રથમ મેચમાં ભારતે વેસ્ટ ઈન્ડિઝને 171 રનમાં રોકી દીધું હતું અને 8 વિકેટે જીત મેળવી હતી.બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે જોરદાર વળતો પ્રહાર કર્યો હતો. ભારતીય ટીમે મોટો સ્કોર બનાવ્યો હોવા છતાં કેરેબિયન બેટ્સમેનોએ 251 રનનો લક્ષ્યાંક 18.3 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.ત્રીજી મેચમાં ભારતીય ટીમે ફરી શાનદાર વાપસી કરી હતી. ભારતે 223 રનના સ્કોરનો બચાવ કરીને 14 રનથી જીત મેળવી હતી.આ જીત સાથે ભારતે શ્રેણીમાં સરસાઈ મેળવી હતી.પરંતુ ચોથી મેચમાં વેસ્ટ ઈન્ડિઝે ફરી પોતાની તાકાત બતાવી હતી.હૈદરાબાદમાં રમાયેલી આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝે 247 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો અને ભારતને 24 રનથી હરાવ્યું હતું.પરિણામે શ્રેણી 2-2ની બરાબરી પર આવી ગઈ હતી.

હવે ભારતીય ટીમની નજર આગામી પડકાર પર

પાંચમી મેચ રદ થતાં બંને ટીમોને શ્રેણી જીતવાની તક મળી નહીં. ભારતીય ટીમ માટે આ પરિણામ નિરાશાજનક રહ્યું, કારણ કે ઘરઆંગણે શ્રેણી જીતવાની તક હાથમાંથી નીકળી ગઈ હતી.જોકે, સમગ્ર શ્રેણીમાં બંને ટીમોએ બેટિંગમાં આક્રમક રમત બતાવી હતી. હવે ભારતીય ટીમ આગામી શ્રેણીઓમાં પોતાની ભૂલો સુધારીને વધુ સારા પ્રદર્શન સાથે મેદાનમાં ઉતરવાનો પ્રયાસ કરશે. બીજી તરફ, વેસ્ટ ઈન્ડિઝ માટે પણ ભારત સામે શ્રેણી બરાબર રાખવી એક મહત્ત્વની સિદ્ધિ બની છે.

Kolkata Durga Puja Stampede : કોલકાતાના દુર્ગા પૂજા પંડાલમાં ભયાનક ભાગદોડ, 19થી વધુનાં મોત અને 25 લોકો ઘાયલ

0

કોલકાતાના ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં ભાગદોડથી 19થી વધુનાં મોત અને 25 લોકો ઘાયલ થયાનો અહેવાલ છે. રાજ્ય સરકારે તપાસના આદેશ આપી કાર્યક્રમો રદ કર્યા.

પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતા સ્થિત ચોરબાગન દુર્ગા પૂજા પંડાલમાં સર્જાયેલી એક અત્યંત કરુણ અને હૃદયદ્રાવક ભાગદોડની ઘટનામાં 19થી વધુ લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે, જ્યારે અન્ય 25 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. પવિત્ર તહેવારની ઉજવણી દરમિયાન બનેલી આ દુર્ઘટનાએ સમગ્ર દેશને સ્તબ્ધ કરી દીધો છે. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર દ્વારા આ દુર્ઘટનાની ઉચ્ચસ્તરીય તપાસના આદેશ આપવામાં આવ્યા છે.

અનેક દિગ્ગજોએ દુખ વ્યક્ત કર્યુ

ઘટનાની ગંભીરતાને જોતાં દેશના સર્વોચ્ચ નેતૃત્વ અને વિવિધ રાજ્યોના દિગ્ગજોએ ઊંડા દુઃખની લાગણી વ્યક્ત કરી છે. રાષ્ટ્રપતિ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ પીડિત પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. આ સાથે જ બિહારના મુખ્યમંત્રી સમ્રાટ ચૌધરી અને આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ સોશિયલ મીડિયા દ્વારા આ ઘટનાને અત્યંત પીડાદાયક ગણાવી મૃતકોની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પણ આ દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે.

અમિત શાહ અને સુવેન્દુ અધિકારી ઘાયલોને મળશે

સ્થિતિની સમીક્ષા કરવા અને પીડિતોને સાંત્વના આપવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારી સંયુક્ત રીતે રવિવારે હોસ્પિટલની મુલાકાત લેવાના છે અને ઘાયલોના સ્વાસ્થ્યની જાણકારી મેળવશે. આ દુ:ખદ અકસ્માત અને મૃત્યુઆંકને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે આગામી તમામ દુર્ગા પૂજા ઉત્સવ સંબંધિત કાર્યક્રમો રદ કરવાનો મોટો નિર્ણય લીધો છે.

સુવેન્દુ અધિકારીએ રાજકારણ ન કરવા કરી અપીલ
મુખ્યમંત્રી સુવેન્દુ અધિકારીએ તમામ રાજકીય પક્ષોને આ સંવેદનશીલ મુદ્દે રાજકારણ ન કરવા અપીલ કરી છે. તેમણે જણાવ્યું કે પ્રશાસન પીડિત પરિવારોની સાથે ઊભું છે અને સરકારે આ મામલે સઘન તપાસ શરૂ કરી દીધી છે જેથી ભવિષ્યમાં આવી દુર્ઘટનાઓનું પુનરાવર્તન ન થાય. તહેવારના દિવસોમાં ખુશીનો માહોલ અચાનક શોકમાં ફેરવાઈ જતાં સમગ્ર વિસ્તારમાં અને બંગાળના નાગરિકોમાં ગમગીની છવાઈ ગઈ છે.

Shardiya Navratri 2026 : નવરાત્રિની મહાઅષ્ટમીએ મા મહાગૌરીને અર્પણ કરો મોગરાનાં ફૂલ, આ રંગ અને ભોગનું છે વિશેષ મહત્ત્વ

0

નવરાત્રિના આઠમા દિવસે મા દુર્ગાના આઠમા સ્વરૂપ મા મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. આ તિથિને મહાષ્ટમી અથવા દુર્ગા અષ્ટમી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર, મા મહાગૌરીનું સ્વરૂપ અત્યંત શાંત, સુંદર અને ગૌર વર્ણનું છે. માતાજીને પવિત્રતા, કરુણા, શાંતિ અને સૌમ્યતાનું પ્રતીક માનવામાં આવે છે.

મહાષ્ટમીના દિવસે ભક્તો માતાજીની પૂજા-અર્ચના કરીને સુખ, સમૃદ્ધિ અને શાંતિની પ્રાર્થના કરે છે. આ દિવસે પૂજામાં ફૂલો, રંગો અને ભોગનું વિશેષ મહત્ત્વ હોવાનું માનવામાં આવે છે. આવો જાણીએ કે મા મહાગૌરીને કયાં ફૂલ પ્રિય છે, મહાષ્ટમીના દિવસે કયા રંગનાં વસ્ત્રો પહેરવાં શુભ માનવામાં આવે છે અને માતાજીને કયો ભોગ ધરાવવો જોઈએ.

મા મહાગૌરીનું દિવ્ય સ્વરૂપ

મા મહાગૌરીને મા દુર્ગાનું આઠમું શક્તિસ્વરૂપ માનવામાં આવે છે. તેમનું સ્વરૂપ શાંત, સૌમ્ય અને અત્યંત મનોહર છે. ધાર્મિક ગ્રંથોમાં માતાજીને ચાર ભુજાઓવાળાં દેવી તરીકે વર્ણવવામાં આવ્યાં છે. તેમના હાથમાં ત્રિશૂળ અને ડમરુ શોભે છે, જ્યારે અન્ય બે હાથ અભયમુદ્રા અને વરદમુદ્રામાં હોય છે.

મા મહાગૌરીને પવિત્રતા, કરુણા અને સૌમ્યતાનાં પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિની મહાષ્ટમીના દિવસે ભક્તો શ્રદ્ધાપૂર્વક તેમની પૂજા કરે છે. ધાર્મિક માન્યતા અનુસાર, માતાજીની આરાધના કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે. આ દિવસે માતાજીના મંત્રોનો જાપ અને ભક્તિભાવથી પૂજા કરવાનું વિશેષ મહત્ત્વ છે.

મા મહાગૌરીને કયો રંગ પ્રિય છે?

મા મહાગૌરીની પૂજામાં સફેદ રંગનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે. સફેદ રંગ શાંતિ, પવિત્રતા અને નિર્મળતાનું પ્રતીક છે. માતાજીના ગૌર વર્ણ સાથે પણ આ રંગનો સંબંધ જોડવામાં આવે છે. તેથી મહાષ્ટમીના દિવસે સફેદ રંગનાં વસ્ત્રો પહેરીને માતાજીની પૂજા કરવી શુભ માનવામાં આવે છે.

આ ઉપરાંત, લાલ રંગને પણ શુભતા અને શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભક્તો મહાષ્ટમીના દિવસે સફેદ અથવા લાલ રંગનાં વસ્ત્રો પહેરી શકે છે. આ દિવસે સ્વચ્છ અને સાદાં વસ્ત્રો ધારણ કરીને શ્રદ્ધાપૂર્વક માતાજીની આરાધના કરવાનું મહત્ત્વ છે.

માતાજીને મોગરાનાં ફૂલ અર્પણ કરો

મા મહાગૌરીની પૂજામાં મોગરાનાં ફૂલ અર્પણ કરવાં શુભ માનવામાં આવે છે. મોગરાનાં સફેદ ફૂલોની સુગંધ અને તેમનો રંગ માતાજીના શાંત તથા નિર્મળ સ્વરૂપ સાથે સુસંગત માનવામાં આવે છે. મહાષ્ટમીના દિવસે પૂજાની થાળીમાં મોગરાનાં ફૂલ રાખીને માતાજીને અર્પણ કરી શકાય છે.

જોકે, ધાર્મિક પરંપરાઓમાં ફૂલોનું મહત્ત્વ હોવા છતાં પૂજામાં શ્રદ્ધા, ભક્તિ અને નિર્મળ મનને વિશેષ સ્થાન આપવામાં આવે છે.

મા મહાગૌરીને કયો ભોગ ધરાવવો?

મા મહાગૌરીને નારિયેળ અને નારિયેળમાંથી બનેલી મીઠાઈઓનો ભોગ ધરાવવાની પરંપરા છે. ભક્તો માતાજીને નારિયેળની બરફી અને લાડુ પણ અર્પણ કરે છે. મહાષ્ટમીના દિવસે ભોગ ધરાવ્યા બાદ માતાજીની આરતી કરીને પરિવારની સુખાકારી અને શાંતિ માટે પ્રાર્થના કરવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, સાચા મનથી કરવામાં આવેલી પૂજાથી માતાજીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે. તેથી મહાષ્ટમીના પવિત્ર દિવસે મા મહાગૌરીની પૂજા કરતી વખતે પરંપરાઓનું ધ્યાન રાખીને ભક્તિભાવથી તેમની આરાધના કરવી જોઈએ

Vastu Shastra : વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર દશેરા પહેલાં ઘરમાં લગાવો આ શુભ છોડ, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિ!

0

ઘરમાં સકારાત્મકતા અને સુખ-શાંતિ માટે દશેરા પહેલાં લગાવો આ 4 છોડ..સનાતન ધર્મમાં દશેરા એટલે કે વિજયાદશમીનો તહેવાર અનિષ્ટ પર ઇષ્ટની જીત અને અધર્મ પર ધર્મના વિજયનું પ્રતીક માનવામાં આવે છે. આ દિવસ ભગવાન શ્રીરામના રાવણ પરના વિજય અને માતા દુર્ગાની શક્તિની આરાધના સાથે જોડાયેલો છે. દશેરાના દિવસે પૂજા-પાઠ કરવાની સાથે કેટલાક શુભ છોડની પૂજા કરવાનું પણ વિશેષ ધાર્મિક મહત્ત્વ છે.

વાસ્તુશાસ્ત્ર અને ધાર્મિક માન્યતાઓ અનુસાર, શમી, તુલસી, કેળા અને અપરાજિતા જેવા છોડને શુભતા, સકારાત્મકતા અને સમૃદ્ધિ સાથે જોડવામાં આવે છે. તેથી દશેરા પહેલાં તમે પણ તમારા ઘરના આંગણામાં, બગીચામાં કે કુંડામાં આ છોડ લગાવવાનું વિચારી શકો છો. ચાલો જાણીએ આ ચાર છોડનું ધાર્મિક મહત્ત્વ અને તેને લગાવતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ.

શમીનો છોડ

દશેરાના પર્વ પર શમીના છોડનું વિશેષ ધાર્મિક મહત્ત્વ માનવામાં આવે છે. પૌરાણિક માન્યતાઓ અનુસાર, શમીના વૃક્ષનો સંબંધ ભગવાન શ્રીરામ અને મહાભારતના પાંડવો સાથે પણ જોડવામાં આવે છે. અનેક વિસ્તારોમાં વિજયાદશમીના દિવસે શમીનાં પાનની પૂજા કરવાની અને તેને શુભતાના પ્રતીક તરીકે એકબીજાને આપવાની પરંપરા છે.
વાસ્તુ સંબંધિત માન્યતાઓમાં શમીના છોડને સુખ-સમૃદ્ધિ અને સકારાત્મકતા સાથે સાંકળવામાં આવે છે. જો તમે ઘરમાં શમીનો છોડ લગાવવા ઇચ્છતા હો, તો એવી જગ્યા પસંદ કરો જ્યાં પૂરતો સૂર્યપ્રકાશ મળતો હોય. છોડને વિકસવા માટે યોગ્ય જગ્યા આપવી અને સમયાંતરે તેની સંભાળ રાખવી પણ જરૂરી છે.

તુલસીનો છોડ

હિંદુ ધર્મમાં તુલસીને અત્યંત પવિત્ર અને પૂજનીય છોડ માનવામાં આવે છે. અનેક ઘરોમાં દરરોજ તુલસીની પૂજા કરવામાં આવે છે અને સાંજના સમયે તેની પાસે દીવો પ્રગટાવવાની પરંપરા પણ છે. ધાર્મિક માન્યતા અનુસાર, તુલસીનો સંબંધ ભગવાન વિષ્ણુ સાથે છે. તેને ઘરની સુખ-શાંતિ અને મંગળકામનાનું પ્રતીક માનવામાં આવે છે.

દશેરા પહેલાં તુલસીનો છોડ લગાવવા ઇચ્છતા હો, તો એવી જગ્યા પસંદ કરો જ્યાં પૂરતો કુદરતી પ્રકાશ મળતો હોય. છોડને જરૂરિયાત મુજબ પાણી આપો અને કુંડામાંથી વધારાનું પાણી બહાર નીકળી શકે તેવી વ્યવસ્થા રાખો. યોગ્ય સંભાળથી તુલસીનો છોડ સ્વસ્થ રહી શકે છે.

કેળાનો છોડ

કેળાના છોડને હિંદુ ધર્મમાં શુભ માનવામાં આવે છે. ધાર્મિક વિધિઓ, પૂજા-પાઠ અને માંગલિક પ્રસંગોમાં કેળાનાં પાનનો ઉપયોગ કરવામાં આવે છે. આ છોડનો સંબંધ ભગવાન વિષ્ણુ અને ગુરુ બૃહસ્પતિની પૂજા સાથે પણ જોડવામાં આવે છે.

વાસ્તુ સંબંધિત માન્યતાઓ અનુસાર, કેળાનો છોડ સુખ-સમૃદ્ધિ અને શુભતાનું પ્રતીક છે. જો તમારા ઘરમાં ખુલ્લી જગ્યા હોય, તો બગીચામાં કેળાનો છોડ લગાવી શકાય છે. તેને પૂરતો સૂર્યપ્રકાશ, પાણી અને ફળદ્રુપ જમીનની જરૂર પડે છે. છોડનાં પાન અને મૂળને ફેલાવા માટે પણ પૂરતી જગ્યા આપવી જોઈએ.

અપરાજિતાનો છોડ

અપરાજિતાનો છોડ તેના સુંદર વાદળી અથવા સફેદ ફૂલો માટે જાણીતો છે. ધાર્મિક પરંપરાઓમાં તેના ફૂલોનો ઉપયોગ પૂજા-અર્ચનામાં કરવામાં આવે છે. કેટલીક પ્રાદેશિક પરંપરાઓમાં અપરાજિતાનો સંબંધ વિજયાદશમી સાથે પણ જોડવામાં આવે છે. તેના નામને વિજય અને સફળતાના પ્રતીક તરીકે જોવામાં આવે છે.

ધાર્મિક માન્યતા અનુસાર, દશેરાના દિવસે અપરાજિતાના છોડની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ છોડને ઘરના બગીચામાં અથવા કુંડામાં ઉગાડી શકાય છે. તેને પૂરતો પ્રકાશ અને ચઢવા માટે આધારની જરૂર પડી શકે છે. યોગ્ય કાળજી રાખવામાં આવે તો તેના સુંદર ફૂલો ઘરની શોભામાં વધારો કરે છે.

Lifestyle : દિવાળી પહેલા ચમકાવો ઘરના ગંદા અને ચીકણા દરવાજા, આ સરળ હોમ હેક્સથી મિનિટોમાં થશે સફાઈ!

0

Diwali Home Cleaning Tips : દિવાળી પહેલાં ઘરના ગંદા અને ચીકણા દરવાજા સાફ કરવાની આસાન રીતો! જાણો લાકડા, કાચ, રસોડા અને બાથરૂમના દરવાજા ચમકાવવાની સ્ટેપ-બાય-સ્ટેપ ટિપ્સ.
દિવાળીનો તહેવાર સમગ્ર ભારતમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે.

આ પર્વ નિમિત્તે લોકો પોતાના ઘરની સ્વચ્છતા ખાસ કરે છે, કારણ કે એવું માનવામાં આવે છે કે દેવી લક્ષ્મી સ્વચ્છ અને શુદ્ધ જગ્યાએ જ નિવાસ કરે છે. ધૂળ, હાથના નિશાન, તેલ અને ભેજને કારણે ઘરના દરવાજા પર ડાઘ પડી જતા હોય છે, તેથી દિવાળી પર તેમને સજાવતા પહેલા સાફ કરવા ખૂબ જ જરૂરી છે. જાણો દરવાજો સાફ કરવાની સરળ પદ્ધતિ.

લાકડાના દરવાજા કેવી રીતે સાફ કરવા

લાકડાના દરવાજા પર ધૂળ, આંગળીઓના નિશાન અને ગ્રીસ જામી જતા હોય છે. વધુ પડતું પાણી કે કઠોર રસાયણો લાકડાના ફિનિશને નુકસાન પહોંચાડી શકે છે, તેથી તેની સફાઈ સાવચેતીપૂર્વક કરવી જોઈએ. સૌપ્રથમ દરવાજાને સૂકા માઇક્રોફાઇબર કાપડથી સાફ કરો. ત્યારબાદ એક બાઉલમાં ગરમ પાણી લઈ તેમાં હળવો પ્રવાહી સાબુ મિક્સ કરો, તેમાં કપડું ડૂબાડીને સારી રીતે નિચોવી લો અને દરવાજાને ઉપરથી નીચે સુધી લૂછી લો. ખૂણા, કોતરણી અને કિનારીઓમાંથી ધૂળ કાઢવા માટે સોફ્ટ પેઇન્ટબ્રશ કે જૂના ટૂથબ્રશનો ઉપયોગ કરો. અંતે સૂકા કપડાથી દરવાજો સાફ કરી દો. લાકડા પર વિનેગર કે બેકિંગ સોડા વાપરવાનું ટાળવું, કારણ કે તે ફિનિશ બગાડી શકે છે.

કાચના દરવાજા સાફ કરવા

કાચના દરવાજા પર પાણીના નિશાન, ધૂળ અને આંગળીઓની છાપ ખૂબ જ સરળતાથી ઉપસી આવે છે. મોંઘા ક્લીનર્સના બદલે ઘરગથ્થુ વસ્તુઓથી પણ કાચ ચમકાવી શકાય છે. પહેલા સૂકા કપડાથી ધૂળ હટાવી લો. ત્યારબાદ ગ્લાસ ક્લીનર સ્પ્રે કરીને અથવા હળવા સાબુવાળા પાણીનો ઉપયોગ કરીને માઇક્રોફાઇબર કાપડથી કાચ સાફ કરો. અંતે પાણીના કોઈપણ ડાઘ કે નિશાન દૂર કરવા માટે સ્વચ્છ અને સૂકા કપડાથી પોલિશ કરી લો. કાચ સાફ કરવા માટે હંમેશા બે કપડાનો ઉપયોગ કરવો હિતાવહ છે.

રસોડાના દરવાજા પરથી ડાઘ કેવી રીતે દૂર કરવા

ઘરમાં રસોડાના દરવાજા સૌથી વધુ ચીકણા અને ગંદા થાય છે, કારણ કે રસોઈ બનાવતી વખતે તેલની વરાળ, મસાલાના કણો અને ગ્રીસ તેના પર જમા થતા રહે છે. જો લાંબા સમય સુધી તેની સફાઈ ન થાય તો જાડું પડ જામી જાય છે. તેને સાફ કરવા માટે ગરમ પાણીમાં થોડું ડીશ વોશિંગ લિક્વિડ ભેળવો. આ દ્રાવણમાં કપડું ડૂબાડીને બરાબર નિચોવી લો અને ચીકણો ભાગ હળવાશથી સાફ કરો. છેલ્લે સ્વચ્છ ભીના કપડાથી અને પછી સૂકા કપડાથી દરવાજો લૂછી લો. હેન્ડલ અને કિનારીઓની જીદ્દી ગંદકી સાફ કરવા માટે નાના સફાઈ બ્રશનો ઉપયોગ કરી શકાય છે.

બાથરૂમના દરવાજામાંથી ગંદકી કેવી રીતે સાફ કરવી

બાથરૂમમાં રહેતા સતત ભેજને કારણે ત્યાંના દરવાજા પર પાણીના ડાઘ, સાબુનો મેલ અને ફૂગ જામવાની શક્યતા રહે છે, ખાસ કરીને દરવાજાના તળિયે ભેજનું પ્રમાણ વધારે હોય છે. બાથરૂમનો દરવાજો સાફ કરવા માટે પહેલા સપાટીને સૂકા કપડાથી લૂછી લો. જો દરવાજો પ્લાસ્ટિક કે લેમિનેટનો હોય, તો હળવા સાબુ અને પાણીનો ઉપયોગ કરો. દરવાજાના તળિયા અને કિનારીઓને બરાબર સાફ કર્યા બાદ તરત જ સૂકા કપડાથી ભેજ હટાવી લો. ઘરમાં હવાનું યોગ્ય પરિભ્રમણ જળવાઈ રહે તે માટે સફાઈ પછી થોડીવાર બાથરૂમનો દરવાજો અને બારી ખુલ્લા રાખો.

Navratri Special Recipe : નવરાત્રીના ઉપવાસમાં બનાવો સ્વાદિષ્ટ રાજગરા ફ્રૂટ ખીર, મળશે ભરપૂર પોષણ અને એનર્જી!

0

ઉપવાસ કે વ્રત દરમિયાન શરીરમાં થાક, અશક્તિ અને નબળાઈ જણાતી હોય છે. આ સમય દરમિયાન જો શરીરને યોગ્ય પોષણ અને ત્વરિત ઊર્જા આપવી હોય, તો સામાન્ય રીતે વપરાતા સાબુદાણા કે સમાના ભાત સિવાય રાજગીરા અને તાજા ફળોથી બનેલી વાનગી એક ઉત્તમ અને પૌષ્ટિક વિકલ્પ સાબિત થાય છે. વ્રત-ઉપવાસમાં માત્ર એક વાટકી ‘રાજગીરા ફળની ખીર’ ખાવાથી દિવસભર શરીરમાં સ્ફૂર્તિ જળવાઈ રહે છે અને પેટ પણ લાંબા સમય સુધી ભરેલું રહે છે. ફ્રૂટ ક્રીમ જેવો અદ્ભુત સ્વાદ ધરાવતી આ ખીર બનાવવી અત્યંત સરળ છે.

સૌપ્રથમ 10 થી 12 બદામને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો. ત્યારબાદ અડધો કપ રાજગીરાના બીજ (અથવા રામદાણા) લો. તેને સ્વચ્છ પાણીથી બરાબર ધોઈ, ચાળણીમાં મૂકીને પાણી નિતારી લો અને અડધા કલાક માટે પાણીમાં પલાળવા દો.

હવે એક પેનમાં 3 કપ ઘટ્ટ દૂધ લઈને ઉકાળો. આ દરમિયાન પલાળેલી બદામના ફોતરાં ઉતારી, તેમાં એક ક્વાર્ટર (1/4) કપ દૂધ ઉમેરી મિક્સરમાં બારીક પીસી તેની પેસ્ટ બનાવી લો. દૂધ ઉકળે એટલે તેમાં આ બદામની પેસ્ટ અને પલાળેલા રાજગીરાના બીજ ઉમેરીને ધીમા તાપે રાંધવા મૂકો.

રાજગીરાના બીજ એકદમ નરમ અને સાબુદાણા જેવા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી તેને દૂધમાં બરાબર રાંધો. ત્યારબાદ તેમાં તમારી પસંદગીના ડ્રાયફ્રૂટ્સ જેવા કે કાજુ, પિસ્તા અને કિસમિસ ઉમેરો. ખીરને મીઠી બનાવવા માટે ખાંડના બદલે પીસેલી ખડી સાંકળ (સાકર) નો ઉપયોગ કરો, જે આરોગ્ય માટે વધુ ગુણકારી છે.

ખીર ઘટ્ટ થઈ જાય એટલે ગેસ બંધ કરી તેને ઓરડાના તાપમાને ઠંડી થવા દો. ખીર ઠંડી થાય એટલે તેમાં ઝીણા સમારેલા સફરજન, કેળા, જરદાળુ અને દાડમના દાણા જેવા તાજા ફળો ઉમેરો. ઉપરથી સ્વાદ અને સુગંધ માટે બારીક પીસેલી લીલી એલચી પાવડર છાંટો. આ સમગ્ર મિશ્રણને થોડો સમય રેફ્રિજરેટરમાં ઠંડુ થવા માટે મૂકો.

ખીર બરાબર ઠંડી થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી ઉપરથી ટુટી-ફ્રુટી અથવા ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરીને ઠંડી-ઠંડી પીરસો.

આ રાજગીરા ફ્રૂટ ખીર માત્ર સ્વાદિષ્ટ જ નથી, પરંતુ ગ્લુટેન-મુક્ત (Gluten-free) આહાર પસંદ કરનારાઓ માટે પણ એક સર્વશ્રેષ્ઠ હેલ્ધી વાનગી છે. નવરાત્રિ કે કોઈ પણ ધાર્મિક પ્રસંગે ઉપવાસ દરમિયાન આ ખીરનું સેવન સ્વાસ્થ્ય અને સ્વાદ બંને માટે ઉત્તમ છે.