Surendranagar News: પાટડી સરકારી હોસ્પિટલમાં એક યુવકે નશાની હાલતમાં ઉહાપોહ મચાવી ડોક્ટર સાથે ગેરવર્તન કરી ધક્કો માર્યો હતો. આ બનાવની જાણ થતાં પાટડી પોલીસનો સ્ટાફ સ્થળ પર પહોંચ્યો હતો. જ્યાં યુવકે પીઆઈ અને પોલીસ કર્મચારી સાથે પણ ગેરવર્તન કર્યું હતું. આ દરમિયાન નશાખોર શખસને પોલીસે લાફા માર્યા હતા, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
જાણો શું છે મામલો
મળતી માહિતી અનુસાર, પાટડી શહેરના જુના બસ સ્ટેન્ડ વિસ્તારમાં રહેતા અને સોલડી ગામના શિક્ષક રાજેન્દ્ર જાદવનું હાર્ટ એટેકથી મૃત્યુ નીપજ્યું હતું. તેના મૃતદેહને પીએમ અર્થે પાટડી હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. જ્યાં મૃતક શિશકના સગાએ હોસ્પિટલના સ્ટાફ પર રોષ દાખવી હંગામો મચાવ્યો હતો અને ફરજ પરના ડોક્ટર સાથે ગેરવર્તન કરી ધક્કો મારતા હોસ્પિટલના સ્ટાફે પોલીસને જાણ કરી હતી.
આથી પોલીસ કાફલો હોસ્પિટલ પહોંચ્યો હતો અને યુવકને આઠથી દસ લાફા ઝીંક્યા હતા. જ્યારે યુવકે કેફી પીણું પીધું હોવાની પણ ચર્ચાઓએ જોર પકડયું હતું. આ ઉપરાંત યુવકે પાટડી પીઆઈ બી.સી છત્રોલિયાનું બાવળું પકડતા પીઆઈએ પણ યુવકને લાફા ઝીંક્યા હતા. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં પોલીસ અધિકારી દ્વારા તેની પુષ્ટી કરી હંગામો મચાવનાર યુવક સામે ફરિયાદની તજવીજ હાથધરી હતી.