અંકલેશ્વરના ઉમા ભવન રેલવે ફાટક પાસે ગતરોજ સાંજે સર્જાયેલા એક અકસ્માતમાં એક યુવાને પોતાનો જીવ ગુમાવ્યો છે. પૂરઝડપે અને બેફામ ગતિએ આવતી ટ્રકના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ, નવાગામ કરારવેલના રહેવાસી અમજદ સુલેમાન ગોરી પોતાની બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળચક્ર બનીને આવેલી એક ટ્રકે તેમને જોરદાર ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે અમજદભાઈને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ઘટનાસ્થળે એકઠા થયેલા લોકોએ તેમને તાત્કાલિક સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી, પરંતુ કમનસીબે હોસ્પિટલ પહોંચે તે પૂર્વે જ તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.સાંજના સમયે ‘પીક અવર્સ’ દરમિયાન આ અકસ્માત સર્જાતા રેલવે ફાટક નજીક વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ અંકલેશ્વર પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.


