– વૈશ્વિક સોનાએ ૩૪૦૦ ડોલરની સપાટી કુદાવી દીધી
– વૈશ્વિક ચાંદી વધી ૩૬ ડોલર ઉપર જતાં ૧૩ વર્ષનો રેકોર્ડ તૂટયો: પ્લેટીનમ ૧૧૦૦ ડોલર ઉપર: ક્રૂડ તથા કોપરમાં પણ ઉછાળો
અમદાવાદ,મુંબઈ : ટ્રમ્પના ટેરીફ વોર બાદ વૈશ્વિક સ્તરે વધી રહેલાં અસ્થિરતાના માહોલ વચ્ચે વૈશ્વિક બજારમાં આજે બેઉ કિંમતી ધાતુમાં નોંધાયેલો ઉછાળા પાછળ ભારતીય સોના-ચાંદી બજોરોમાં પણ તેજી આગળ વધી હતી.તેજીના આ માહોલમાં આજે મુંબઇ ચાંદીએ રૂ.૧,૦૫,૦૦૦ની નજીક પહોંચી નવો રેકોર્ડ રચ્યો હતો.બીજી તરફ અમદાવાદ સોનું પણ ફરી એકવાર રૂ.૧ લાખની સપાટી કૂદાવી ગયું હતું.
મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં રેકોર્ડ તેજી આગળ વધતાં નવા ઉંચા ભાવ જોવા મળ્યાહતા. વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવતા હતા. વિશ્વ બજાર વધી જતાં ઘરઆંગણે કિંમતી ધાતુઓની ઈમંપોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં આજે રેકોર્ડ તેજી વેગથી આગળ વધી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૯૯૫૦૦ વાળા ઉછળી રૂ.એક લાખની સપાટી વટાવી ઉંચામાં ભાવ રૂ.૧૦૩૦૦૦ની નવી ટોચને આંબી ગયા હતા.
અમદાવાદ સોનાના ભાવ આજે ૧૦ ગ્રામના રૂ.૧૩૦૦ વધી ૯૯૫ના ભાવ રૂ.એક લાખ પાર કરી રૂ.૧૦૦૭૦૦ તથા ૯૯૯ના ભાવ વધી રૂ.૧૦૧૦૦૦ના નવા ઉંચા મથાળાને આંબી ગયા હતા. વિશ્વ બજારમાં આજે સોનાના ભાવ ઔંશના ૩૩૬૦થી ૩૩૬૧ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૩૪૦૦ પાર કરી ૩૪૦૩ ડોલર થઈ ૩૩૮૧થી ૩૩૮૨ ડોલર રહ્યાના નિર્દેશો હતા. વૈશ્વિક ચાંદીના ભાવ વધી આજે ૧૩ વર્ષનીી ટોચે પહોંચ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ૩૪.૩૭થી ૩૪.૩૮ વાળા વધી ઉંચામાં ભાવ ૩૬.૦૬ થઈ ૩૫.૮૭થી ૩૫.૮૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ ઉછળી જીએસટી વગર ૯૯૫ના રૂ.૯૭૭૭૦ તથા ૯૯૯ના રૂ.૯૮૧૬૩ બોલાયા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર ઉછળી રૂ.૧૦૪૬૭૫નો નવા ઉંચા મથાળાને આંબી ગયા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિ.ાન, વૈશ્વિક પ્લેટીનમના ભાવ આજે વધી ઔંશના ૧૧૦૦ ડોલર કુદાવી ઉંચામાં ભાવ ૧૧૩૯ થઈ ૧૧૩૮ ડોલર રહ્યા હતા.
પેલેડીયમના ભાવ વધી ૧૦૦૦ ડોલર પાર કરી ઉંચામાં ભાવ ૧૦૨૬ થઈ ૧૦૧૬થી ૧૦૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે અઢી ટકા ઉછળ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ ઉંચકાતાં તેની અસર વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીન દેખાઈ હતી જયારે વૈશ્વિક કોપરના ભાવમાં ઉછાળાની અસર વૈશ્વિક ચાંદીમાં તેજી તરફી જોવા મલી હતી. દરમિયાન, વિશ્વ બજારમાં આજે બ્રેન્ટ ક્રૂડતેલના ભાવ વધી બેરલના ૬૫.૭૫ થઈ ૬૫.૬૭ ડોલર રહ્યા હતા.જ્યારે યુએસ ક્રૂડના ભાવ વધી ૬૩.૮૩ થઈ ૬૩.૭૮ ડોલર રહ્યા હતા.
દરમિયાન, દેશમાં આ વર્ષે મોનસુનનું આગમન વહેલું થયું છે અને તેના પગલે ગ્રામિણ તથા કૃષી વિસ્તારોમાં રાહત તથા આનંદની લાગણી જોવા મળી હતી. હવે આગળ ઉપર વરસાદની પ્રગતી કેવી થાય છે તેના પર બજારની નજર રહી છે. જો આગળ ઉપર દેશમાં એકંદરે વરસાદ સારો થશે તો ચોમાસા પછી આવનારી તહેવારોની મોસમમાં દેશના ઝવેરી બજારોમાં ખાસ કરીને કૃષી ક્ષેત્રે સંકળાયેલા વર્ગની તથા ગ્રામિણ વિસ્તારોમાં કાર્યરત વર્ગની માગ વધવાની આશા બજારના જાણકારો બતાવી રહ્યા હતા.
જોકે કિંમતી ધાતુઓના ભાવ એકંદરે નોંધપાત્ર ઉંચા તથા રેકોર્ડ સપાટીએ રહેતાં આ વર્ષે હવે પછી ઝવેરી બજારોમાં નવી માગ અપેક્ષાથી ધીમી રહેવાની ગણતરી પણ બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. વૈશ્વિક સોનામાં વિશ્વના વિવિધ દેશોની સેન્ટ્રલ બેન્કોની નવી ખરીદી હાલ તુરત ધીમી પડી છે.