ભરૂચ જિલ્લાના ઝઘડિયા જી.આઇ.ડી.સી પોલીસે ગુમ થયેલ બે આઈસર ટેમ્પો ગાડીઓ શોધી કાઢીને તેના માલિકને પરત કર્યો હતો. પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ભરૂચ જિલ્લામાં વિવિધ ગુનાઓના ભેદ ઉકેલવા અસરકારક કામગીરી કરવા ભરૂચ જિલ્લાના પોલીસ વિભાગને સુચના આપવામાં આવી હતી. ઝઘડિયા જી.આઇ.ડી.સી પોલીસ સ્ટેશનને તલોદરા ગામના ભરતભાઇ રમણભાઈ પટેલ દ્વારા અરજી મળેલ કે તેઓ ટ્રાવેલ્સ અને ટ્રાન્સપોર્ટનો ધંધો કરે છે. તેમની પાસે ટાટાનો અલ્ટ્રા ટેમ્પો તેમજ બીજો ભારત બેન્જો ટેમ્પો મળીને બે ગાડીઓ છે. જેમાં ટાટાના અલ્ટ્રા ટેમ્પોના ડ્રાઇવર તરીકે રાજેન્દ્ર યાદવ નામનો ઈસમ ડ્રાઇવિંગ કરતો હતો અને તે આજથી ત્રણેક મહિના પહેલા અંક્લેશ્વર ખાતેથી ટેમ્પોમાં માલ ભરીને ચેન્નઈ ખાતે ગયો હતો. ત્યાંથી બીજી અલગ-અલગ જગ્યાએ ગયેલ હતો. ત્યારબાદ બારોબાર ગાડી લઇને જોનપુર(યુ.પી) ખાતે ગયો હતો અને ત્યાંથી પરત આવ્યો ન હતો, ગાડીના માલિકે ડ્રાઇવરને વારંવાર ફોન કરી ગાડી લઇને આવવા જણાવવા છતાં ડ્રાઇવર આવેલ નહીં. ઉપરાંત બીજા ભારત બેન્જો ટેમ્પોના ડ્રાઇવર તરીકે બ્રિજેશ બહાદુરસિંગ નામનો ઇસમ ડ્રાઇવિંગ કરતો હતો. તે ડ્રાઇવર પણ એક મહિના પહેલા માલ ભરીને ચેન્નઈ ગયેલ અને ત્યાંથી તેના ઘરે ગાડી લઈને જતો રહ્યો હતો અને પરત આવ્યો ન હતો. ગાડીના માલિકે આ બાબતે પણ ઝઘડિયા જી.આઇ.ડી.સી પોલીસ મથકમાં અરજી આપી હતી. ઝઘડિયા જી.આઈ.ડી.સી પી.એસ.આઈ પી.કે.રાઠોડ દ્વારા સદર ગાડીઓના જી.પી.આર.એસ લોકેશનના આધારે તપાસ કરીને વાપી ખાતે પોલીસ ટીમને મોકલીને ટાટાના અલ્ટ્રા ટેમ્પોને ડ્રાઇવર સહિત ઝઘડિયા ખાતે લઈ આવેલ હતા અને ત્યારબાદ બીજી ગાડી ભારત બેન્જો ટેમ્પો પણ ગાડીના લોકેશનના આધારે કરજણ ટોલટેક્ષ ખાતેથી લઇ આવીને આ બન્ને ગાડીઓ કુલ કિંમત રૂપિયા એકાવન લાખની ઝઘડિયાના નાયબ પોલીસ વડા અજયકુમાર મીણાના હસ્તે મુળ માલિકને પરત સોંપવામાં આવી હતી.
Reporter : કેતન મહેતા, ઝગડીયા