ભરૂચ ક્રાઇમ બ્રાંચને મોટી સફળતા મળી છે. પોલીસ ઇન્સ્પેકટર એમ.પી.વાળાની ઝઘડીયા ટીમને પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી. નેત્રંગ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ કેસમાં ચોરાયેલી એક્ટીવા GJ 16 EC 7315 સાથે એક શખ્સ રાજપીપળા ચોકડી વિસ્તારમાં ફરી રહ્યો છે.

બાતમીના આધારે તપાસ કરતા રાજપીપળા ચોકડી બ્રિજ નીચેથી આરોપી મળી આવ્યો હતો. આરોપી પાસે એક્ટીવાના કોઈ દસ્તાવેજો ન હતા. પોલીસે તેને અંકલેશ્વર એલસીબી ઓફિસે લઈ જઈને પૂછપરછ કરી હતી.
આરોપી શિવા મુર્થીએ કબૂલ્યું કે તેણે તેના સાથીદારો નંદ, કન્નન અને રાજા સાથે મળીને આ ગુનાઓ આચર્યા હતા. તેમણે પીપોદરા નજીક રૂમ ભાડે રાખ્યો હતો. દસેક દિવસ પહેલા શિવા અને રાજાએ નેત્રંગ ચાર રસ્તા પાસેથી બ્લુ કલરની એક્ટીવાની ચોરી કરી હતી.
આઠ દિવસ પહેલા ચારેય આરોપીઓએ પીપોદરા ઓવરબ્રિજ પાસે એક કારના પાછળના ટાયરમાં પંચર કર્યું હતું. કાર ચાલક જ્યારે પંચર રિપેર કરાવી રહ્યો હતો ત્યારે તેમણે કારમાંથી 14 લાખ રૂપિયા અને એક મોબાઇલની ચોરી કરી હતી. પૈસાના સરખા ભાગ પાડી લીધા હતા.
પોલીસે પકડાયેલા આરોપી શિવા મુર્થી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તેને અંકલેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે. નેત્રંગ અને કોસંબા પોલીસ સ્ટેશનને પણ આ અંગે જાણ કરવામાં આવી છે
Reporter : કેતન મહેતા, ભરૂચ