બેંગલુરુ ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી
RCB પ્રતિનિધિઓની ધરપકડ
પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓ સસ્પેન્ડ

બેંગલુરુ ભાગદોડ કેસમાં મોટી કાર્યવાહી કરવામાં આવી છે. બેંગલુરુ પોલીસે RCB વિરુદ્ધ ગેરકાનૂની હત્યાનો કેસ દાખલ કર્યો છે. FIRમાં RCB ઉપરાંત DNA એન્ટરટેઈનમેન્ટ અને કર્ણાટક સ્ટેટ ક્રિકેટ એસોસિએશનને પણ આરોપી બનાવવામાં આવ્યા છે. પોલીસે ગેરકાનૂની હત્યા સહિત વિવિધ કલમો હેઠળ કેસ નોંધ્યો છે. FIR બાદ, CM સિદ્ધારમૈયાએ પોલીસને RCB અને DNA ઇવેન્ટ મેનેજમેન્ટ એજન્સીના અધિકારીઓની ધરપકડ કરવાનો આદેશ આપ્યો છે.
આ સાથે, બેંગલુરુ પોલીસ કમિશનર સહિત 8 અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમજ સીમંત કુમાર સિંહને બેંગલુરુના નવા પોલીસ કમિશનર બનાવવામાં આવ્યા છે. તેમણે ગુરુવાર અને શુક્રવારની રાત્રે ચાર્જ સંભાળ્યો છે. એવી પણ ચર્ચા છે કે સરકાર આ કેસની તપાસ CID ને સોંપી શકે છે.સીએમ સિદ્ધારમૈયાએ જણાવ્યું કે, આ કેસની તપાસ માટે નિવૃત્ત હાઈકોર્ટના ન્યાયાધીશ માઈકલ ડી’કુન્હાની અધ્યક્ષતામાં એક સભ્યનું તપાસ પંચ બનાવવામાં આવ્યું છે.

આ પંચ 30 દિવસમાં પોતાનો રિપોર્ટ રજૂ કરશે. આ RCB કાર્યક્રમનું આયોજન કરવા માટે જવાબદાર લોકો સામે પણ કાર્યવાહી કરવામાં આવશે. કર્ણાટક પોલીસે તેમના પર ગુનાહિત હત્યા, સ્વેચ્છાએ નુકસાન પહોંચાડવા અને જાહેર ઉપદ્રવની કલમો લગાવી છે. પોલીસે જણાવ્યું કે, તેમણે પરવાનગી વિના કાર્યક્રમનું આયોજન કર્યું હતું.