અમદાવાદના જૂના વિસ્તારો અને પોળોની શાન ગણાતી ચકલીઓની ચીં-ચીં હવે ધીમે-ધીમે શાંત થઈ રહી છે. આ લુપ્ત થતી જતી ચકલીઓને બચાવવા અને તેમનું જતન કરવા માટે શહેરની સામાજિક સંસ્થા ‘એનિમલ લાઈફ કેર’ દ્વારા ‘એક પ્રયાસ ચકલી બચાવવાનો’ (સેવ ધ સ્પેરો) અભિયાન તેજ કરવામાં આવ્યું છે. સંસ્થા દ્વારા નાગરિકોને પોતાના ઘરની બહાર ચકલીઓ માટે માળા (બખોલ) લગાવવા માટે ખાસ અપીલ કરવામાં આવી છે.
સંસ્થાના કાર્યકરોનું કહેવું છે કે અગાઉના સમયમાં ઘરોની ડિઝાઈન એવી હતી કે જેમાં નાના ગોખલા અને છાજલીઓ રહેતી, જ્યાં ચકલીઓ આસાનીથી માળો બનાવી શકતી હતી. પરંતુ આધુનિક સિમેન્ટ-કોંક્રિટના મકાનોમાં આવી જગ્યાઓનો અભાવ હોવાથી ચકલીઓ પાસે રહેઠાણ બચ્યું નથી. વધતું જતું શહેરીકરણ, પ્રદૂષણ, મોબાઈલ ટાવરનું રેડિયેશન અને ઘટતા જતા વૃક્ષો આ નાનકડા પક્ષીના અસ્તિત્વ માટે મોટો ખતરો બની રહ્યા છે.

આ અભિયાન અંતર્ગત અમદાવાદના પરિમલ ગાર્ડન સહિતના વિવિધ વિસ્તારોમાં નાગરિકોને વિનામૂલ્યે ચકલીના માળાનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યકરોએ જણાવ્યું કે, ‘અગાઉના સમયમાં બાળકો ચકલીઓની વાર્તાઓ સાંભળીને મોટા થતા હતા, પરંતુ આજની પેઢી માટે ચકલી જોવી પણ દુર્લભ બની ગઈ છે. જો દરેક પરિવાર પોતાના આંગણે કે ગેલેરીમાં એક નાનો માળો અને પાણીનું કુંડું રાખે, તો આ પક્ષીને ફરી પાછું લાવી શકાય છે.’
એનિમલ લાઈફ કેર આગામી મહિનાઓમાં આ અભિયાનને વધુ વ્યાપક બનાવવાની યોજના ધરાવે છે. સંસ્થાના સ્વયંસેવકો શહેરના જૂના વિસ્તારો અને સોસાયટીઓમાં જઈને કૃત્રિમ માળાઓ લગાવી રહ્યા છે જેથી ચકલીઓને સુરક્ષિત પ્રજનન સ્થળ મળી રહે. ખાસ કરીને ઉનાળાની શરૂઆત થઈ રહી છે ત્યારે પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવી પણ એટલી જ અનિવાર્ય છે.


