સુરત જીલ્લાના ઓલપાડમાં આવેલ ગજેરા ગ્લોબલ સ્કૂલ, પાલ દ્વારા ગત ૩ જૂને વિશ્વ સાઇકલ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓમાં સાઇકલિંગ પ્રત્યે જાગૃતિ લાવવા અને પ્રદૂષણ રહિત જીવન જીવવાના સંદેશ સાથે એક ખાસ સાયકલ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રેલીમાં ધોરણ 6 થી 12 ના 60 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો. વિદ્યાર્થીઓએ રેલી દરમ્યાન લોકોમાં સાઇકલ ચલાવવાના ફાયદા અંગે જાગૃતિ ફેલાવી, તેમજ સ્વસ્થ અને પર્યાવરણપ્રેમી જીવનશૈલી અપનાવવાની અપીલ કરી.રેલીને સ્કૂલના પ્રિન્સીપાલ શ્રીમતિ શ્વેતા પરિવારે લીલી ઝંડી આપીને પ્રારંભ કરાવ્યો. તેમણે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરતા કહ્યું કે, “સાયકલિંગ માત્ર એક કસરત નહીં, પણ આ પર્યાવરણ બચાવવાનો એક સરસ ઉપાય છે.” આ પ્રકારની પ્રવૃત્તિઓથી બાળકોમાં નાગરિક જવાબદારી અને સ્વસ્થ જીવનશૈલી અંગે જાગૃતિ વધે છે.
Reporter : આસ્તિક પટેલ, ઓલપાડ