Rahul Gandhi on ECI: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગયા વર્ષે મહારાષ્ટ્રમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ગેરરીતિના આરોપોને ચૂંટણી પંચના સૂત્રો દ્વારા નકારવામાં આવ્યા બાદ આજે તેના પર પલટવાર કર્યો છે. આ મામલે રાહુલ ગાંધીએ કહ્યું કે, ‘છુપાવવાથી તેની વિશ્વસનીયતા સુરક્ષિત નહીં રહે, પરંતુ સત્ય બોલવાથી બચશે.’
મહારાષ્ટ્ર ચૂંટણી ‘લોકશાહીમાં ધાંધલીનો બ્લુપ્રિન્ટ’: રાહુલ ગાંધી
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ એક અખબારમાં લેખ લખીને આરોપ લગાવ્યો કે, ‘2024ની મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી લોકશાહીમાં ધાંધલીનો બ્લુપ્રિન્ટ હતી. તેમણે દાવો કર્યો કે આ ‘મેચ ફિક્સિંગ’ હવે બિહારમાં પણ થશે અને પછી તે જગ્યાઓ પર પણ આવું જ કરવામાં આવશે, જ્યાં ભારતીય જનતા પાર્ટી (BJP) હારી રહી હશે.’
અખબારોમાં લેખ લખીને શા માટે જવાબ માંગી રહ્યા છો? – ECI સૂત્રો
ચૂંટણી પંચના સૂત્રોએ આ વાત પર આશ્ચર્ય વ્યક્ત કરતા કર્યું કે, ‘આયોગને સીધો પત્ર લખવાને બદલે કોંગ્રેસ નેતા અખબારોમાં લેખો દ્વારા જવાબ શા માટે માંગી રહ્યા છે?’
ECI ના એક પદાધિકારીએ કહ્યું, ‘આ ખૂબ જ વિચિત્ર વાત છે કે ગયા વર્ષે 24 ડિસેમ્બરે આયોગ દ્વારા કોંગ્રેસને લખવામાં આવેલા વિસ્તૃત પત્ર છતાં રાહુલ ગાંધી વારંવાર પોતાની નિરાધાર શંકાઓના જવાબ માંગવા માટે મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને લખી રહ્યા છે.’
તેમણે એ પણ જણાવ્યું કે, ચૂંટણી પંચે છ રાષ્ટ્રીય પાર્ટીઓ સાથે વાતચીત માટે તેમને અલગ-અલગ આમંત્રિત કર્યા હતા અને કોંગ્રેસ સિવાયની બાકી બધી પાર્ટીઓએ ચૂંટણી અધિકારીઓ સાથે મુલાકાત કરી. કોંગ્રેસે ચૂંટણી પંચ દ્વારા 15 મેના રોજ પ્રસ્તાવિત બેઠક રદ કરી દીધી હતી.
અધિકારીએ વધુમાં કહ્યું કે, ‘આ સ્પષ્ટ નથી કે રાહુલ ગાંધી પોતે ચૂંટણી પંચને પત્ર લખીને જવાબ મેળવવાથી શા માટે કતરાઈ રહ્યા છે. તેમજ રાહુલ ગાંધીએ સૂત્રોના આધારે તેમના પ્રશ્નોના જવાબ આપવા માટે ચૂંટણી પંચ પર સવાલ ઉઠાવ્યા છે.’
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સમક્ષ કરી આ માંગ
રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ સમક્ષ માંગ કરતા ‘X’ પર કહ્યું, ‘પ્રિય ચૂંટણી પંચ, તમે એક બંધારણીય સંસ્થા છો. હસ્તાક્ષર વિના, (પ્રશ્નોના જવાબોને) છુપાવતી નોટ જાહેર કરવી, ગંભીર પ્રશ્નોના જવાબ આપવાનો રીત નથી. જો તમારી પાસે છુપાવવા માટે કંઈ નથી તો મારા લેખમાં આપેલા પ્રશ્નોના જવાબ આપો અને તેને સાબિત કરો, મહારાષ્ટ્ર સહિત તમામ રાજ્યોની લોકસભા અને વિધાનસભાઓની તાજેતરમાં થયેલી ચૂંટણીઓ માટે સંકલિત, ડિજિટલ મતદાર યાદી પ્રકાશિત કરો અને મહારાષ્ટ્રના મતદાન કેન્દ્રોથી સાંજે પાંચ વાગ્યા પછીના તમામ CCTV ફૂટેજ જાહેર કરો.’
રાહુલ ગાંધીએ પણ કહ્યું, ‘છુપાવવાથી તમારી વિશ્વસનીયતા સુરક્ષિત નહીં રહે. સત્ય બોલવાથી જ રહેશે.’ આ પહેલાં ચૂંટણી પંચના સૂત્રોએ મહારાષ્ટ્ર ચૂંટણીમાં કથિત અનિયમિતતાઓના વિશે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલા દાવાઓને નકારી દીધા હતા.
રાહુલ ગાંધીના આરોપો પર ચૂંટણી પંચના સૂત્રોએ કહ્યું કે, ‘કોઈપણ દ્વારા પ્રસારિત કોઈપણ ખોટી માહિતી ચૂંટણીઓ દરમિયાન રાજકીય પક્ષો દ્વારા નિયુક્ત હજારો પ્રતિનિધિઓની બદનામી તથા ચૂંટણી કર્મચારીઓનું મનોબળ તોડનારી હોય છે, જે આ મોટી કવાયત માટે અથાક પરિશ્રમ કરે છે.’
જે છેતરપિંડી કરે છે, તે પક્ષ જીતી જાય છે: રાહુલ ગાંધી
સૂત્રોએ જણાવ્યું કે મહારાષ્ટ્રની મતદાર યાદીને લઈને લગાવવામાં આવેલા નિરાધાર આરોપો કાયદાના શાસનનું અનાદર છે. આ મામલે રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘જે પક્ષ છેતરપિંડી કરે છે તે રમત જીતી શકે છે, પરંતુ તે સંસ્થાઓને નુકસાન પહોંચાડે છે અને જનતાના વિશ્વાસને તોડે છે.’
રાહુલ ગાંધીએ ચૂંટણીમાં કથિત અનિયમિતતા વિશે તબક્કાવાર રીતે જણાવ્યું છે કે કેવી રીતે મતદાર યાદીમાં નકલી મતદારોને ઉમેરવામાં આવ્યા, મતદાન ટકાવારી વધારી-ચઢાવીને દર્શાવવામાં આવી, નકલી મતદાન કરાવવામાં આવ્યું અને બાદમાં પુરાવાઓને છુપાવી દેવામાં આવ્યા.