લગ્ન દરમિયાન ઉત્સાહનો માહોલ હોય.. વડીલો, નાના મોટા સૌ કોઇમાં એક અનેરો ઉમંગ હોય. ઘર પરિવારના લોકો જાનૈયાઓનું સ્વાગત કરવા રેડી હોય અને તેવામાં જ જો જાણવા મળે કે દુલ્હન જ મળતી નથી તો ? આવુ જ કંઇક થયુ છે બિહારમાં. શું છે સમગ્ર વિગત આવો જાણીએ.
શનિવારની આ ઘટના છે. બિહારના કૈમૂરમાં બપોરનો લગ્નસમારોહ હતો. પરિવારના લોકો જાનૈયાની રાહ જોઇને બેઠા હતા. પરંતુ આ દરમિયાન જ ખબર પડી તે તેમની દીકરી તો ક્યાંય દેખાતી નથી. દીકરીને શોધવા ઘણા પ્રયાસો કર્યા પણ શોધ્યે ન જડી. કોઇ પુરાવો પણ ન મળ્યો. આથી દિકરીના પરિવારે જાનૈયાને જાણ કરી.આ બાજુ તો વરરાજા તૈયાર થઇને બેઠા હતા. તેઓ જાન લઇને ઘરેથી નીકળવાના જ હતા ત્યાં જ આવા સમાચાર મળતા ખુદ વરરાજા પણ ચોંકી ગયા.
વધારે શોધખોળ કરતા પરિવારને ખબર પડી કે પોતાની છોકરી તો ઘરેથી ભાગી ગઇ છે. જે બાદ પોલીસ સ્ટેશનમાં પિતાએ ફરિયાદ નોંધાવી. પોતાની દીકરીએ કરેલી આ કરતૂતથી પરિવાર પણ ચિંતામાં મુકાયો હતો. કેવી રીતે વરરાજાને કહેવુ તે સમજાતુ ન હતું. પરંતુ હિંમત કરીને છોકરીના પિતાએ વરરાજાના પિતાને જાણ કરી. યુવતીના પિતાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે દિકરીની મરજી મુજબ ખરીદી કરી અને બાકીની તૈયારીઓ પણ કરી.
જો કે આવી ઘટનાને પગલે વરરાજા તો ખરા જ, પરંતુ તેમના આખો પરિવાર ચિંતામાં ગરકાવ થયો હતો. છેલ્લા કેટલાક મહિનાઓથી કરેલી તૈયારીઓ, ખર્ચા અને અરમાનો પર પાણી ફરી વળ્યુ. ચૈનપુરના એસએચઓ વિજય કુમારના જણાવ્યા અનુસાર છોકરીના પિતાના નિવેદનના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસ છોકરીને શોધવા માટે મેન્યુઅલ સર્વેલન્સ તેમજ ઇલેક્ટ્રોનિક સર્વેલન્સની મદદ લઈ રહી છે. જોકે, હજુ સુધી છોકરીના કોઈ સમાચાર મળ્યા નથી.