દેશ અને રાજ્યમાં કોરોનાના કેસો વધી રહ્યા છે. ત્યારે ફરી એકવાર કચ્છ જિલ્લામાં કોરોનાએ દસ્તક દીધી હોય તેમ લાગી રહ્યું છે. સતત બીજા દિવસે વધુ 3 લોકોને કોરોના થયો હોવાનું સામે આવ્યું છે. બે દિવસમાં કચ્છમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે.
રાજ્યમાં એક પછી એક કોરોનાના કેસ વધી રહ્યા છે તો બીજી તરફ તંત્ર પણ વધતા કેસને લઈ ચિંતિત છે. કચ્છમાં કોરોનાના 6 પોઝિટિવ કેસ નોંધાયા છે. ભુજમાં વધુ બે, તો નખત્રાણાના ગ્રામ્ય વિસ્તારમાં એક પોઝિટિવ કેસ નોંધાયો છે. કોરોનાના વધતા કેસોને લઈ આરોગ્ય વિભાગ દ્વારા ખાસ તૈયારી કરી છે. હાલ જિલ્લામાં કોરોનાની 800 આરટીપીસીઆર અને 200 રેપિડ કિટ ઉપ્લબ્ધ છે.
કચ્છ જિલ્લામાં સુધી કોઈ ગંભીર ગણી શકાય તેવાં લક્ષણ જોવા મળ્યા નથી. કોરોનાની સ્થિતિ લઈને ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં 100 બેડનો ખાસ વોર્ડ ઊભો કરવામાં આવ્યો છે. આ સિવાય જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કોરોના દર્દી માટે વધારાના બેડ તૈયાર કરવામાં આવ્યા છે. કચ્છ જિલ્લામાં કોરોના કેસોમાં વધારો થતાં આરોગ્ય વિભાગ સજ્જ બન્યું છે.
રાજકોટમાં દિન-પ્રતિદિન વધી રહેલા કોરોનાના કેસના કારણે મનપાના આરોગ્ય વિભાગ દ્વારા લોકોને ભીડથી દૂર રહેવા અપીલ છે. અત્યાર સુધીમાં રાજકોટમાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 15 થઇ છે. તમામ દર્દીઓ હોમ આઇસોલેશનમાં રાખવામાં આવ્યા છે અને તબીયત સ્વસ્થ હોવાનું કહેવાય છે. સાથે જ મોટા ભાગના દર્દીઓની ટ્રાવેલ હિસ્ટ્રી વિદેશની હોવાનું સામે આવ્યું છે.
સુરતમાં કોરોના કેસમાં ધીમે ધીમે વધારો થઈ રહ્યો છે. સુરતમાં વધુ બે કોરોના પોઝિટિવ કેસ આવતા હડકંપ મચી જવા પામ્યો છે. નાનપુરાના 30 વર્ષીય યુવક અને ઘોડદોડ રોડની 64 વર્ષીય વૃદ્ધાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે તો વૃદ્ધાને હોમ આઇસોલેશનમાં રખાવામાં આવ્યા છે. એક જ સપ્તાહમાં સુરતમાં 7 કોરોના કેસ પોઝિટિવ સામે આવતા લોકોમાં વધુ મહામારી ફેલાય તેવો ભય છે. હાલ બંનેના સેમ્પલ જીનોમ સિક્વન્સિંગ માટે મોકલાયા છે.