માફિયા મુખ્તાર અંસારીના પુત્ર અને મઉ સદરના ધારાસભ્ય અબ્બાસ અંસારીને સીજેએમ કોર્ટે દોષિત ઠેરવ્યા છે. 3 માર્ચ 2022ના રોજ વિધાનસભા ચૂંટણી દરમિયાન, અબ્બાસ અંસારીએ મઉમાં યોજાયેલી જાહેર સભામાં સરકાર બન્યા પછી અધિકારીઓ સાથે હિસાબ ચૂકવવાની ધમકી આપી હતી. કોટવાલી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા આ કેસમાં, અબ્બાસ અંસારી, તેમના ભાઈ ઉમર અંસારી અને અન્ય ત્રણ લોકો પર ચૂંટણી પ્રચાર દરમિયાન વહીવટી અધિકારીઓને “તેમની સંભાળ રાખવા” માટે ધમકી આપવાનો આરોપ છે.
વર્ષ 2022ની વિધાનસભા ચૂંટણીમાં અબ્બાસ અંસારીએ સમાજવાદી પાર્ટી અને એસબીએસપી ગઠબંધન હેઠળ મઉ સદર બેઠક પર ચૂંટણી જીતી હતી. જ્યાં તેમણે ભાજપના અશોક સિંહને 38 હજાર વોટથી હાર આપી હતી. અબ્બાસ અંસારીના પિતા ગેંગસ્ટર અને નેતા મુખ્તાર અંસારી છે. જેમનું મોત થયું છે. તેઓ પણ મઉ બેઠકથી પાંચવાર ધારાસભ્ય રહી ચૂક્યા છે. આ કેસમાં સજાનો ચુકાદો રાજકીય ભૂકંપ સર્જી શકે છે. ઉત્તર પ્રદેશની રાજનીતિમાં મોટી હલચલની શક્યતા જોવાઇ રહી છે. કારણ કે અબ્બાસ અંસારીને તેમના વિસ્તારના પ્રભાવશાળી નેતા માનવામાં આવે છે. કોર્ટનો આ નિર્ણય અબ્બાસના રાજકીય કારકિર્દી પર મોટી અસર કરશે.
અબ્બાસ અંસારી પર જે કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમાં ધમકી આપવું, પોતાના અધિકારનો ખોટો ઉપયોગ કરવો, સરકારી કામમાં વિઘ્ન નાંખવું. સરકારી કર્મચારીને ધમકાવવું, ધર્મ-જાતિના આધાર પર નફરત ફેલાવવી અને તંગદિલીભર્યુ વાતાવરણ ઉભું કરવું, ષડયંત્ર રચવાનો સમાવેશ થાય છે. જેના માટે અબ્બાસ અંસારી, તેમના ભાઇ અને ચાચા મંસૂર અંસારીને દોષિત જાહેર કરવામાં આવ્યા છે.