: ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનાના ભાવ ઝડપી તૂટયા
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે શનિવારના કારણે બુલીયન બજાર સત્તાવાર બંધ રહી હતી. જોકે બંધ બજારે સોનાના ભાવમાં વિશ્વબજાર પાછળ ટોચ પરથી પ્રત્યાઘાતી ઘટાડો આગળ વધ્યો હતો. વિશ્વબજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચકાતાં વૈશ્વિક સોનામાં ફંડોનું સેલીંગ વધ્યાના નિર્દેશો મળ્યા હતા. વિશ્વબજાર પાછળ ઘરઆંગણે પણ સોનામાં ઈમ્પોર્ટ કોસ્ટ નીચી ઉતરતાં ઝવેરીબજારોમાં આજે સોનામાં ઉંચેથી તૂટતી બજારે વેચનારા વધુ તથા લેનારા ઓછા રહ્યા હતા.
અમદાવાદ ઝવેરીબજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂ.૮૦૦ તૂટી ૯૯૫ના રૂ.૯૮૯૦૦ તથા ૯૯૯ના રૂ.૯૯૨૦૦ બોલાતા થયા હતા જ્યારે વિશ્વબજારમાં સોનાના ભાવ ૩૩૧૧ ડોલર રહ્યાના સમાચાર હતા. ચીન તથા અમેરિકા વચ્ચે વેપાર કરારનો આશાવાદ વધતાં તેના કારણે પણ વૈશ્વિક સોનામાં સેફ હેવન સ્વરૂપની નવી માગ ધીમી પડી હતી.
ડોલરનો વૈશ્વિક ઈન્ડેક્સ નીચામાં ૯૮.૬૬ રહ્યા પછી વધી ઉંચામાં ૯૯.૩૬ થઈ છેલ્લે ૯૯.૨૦ રહ્યાના સમાચાર મળ્યા હતા. મુંબઈ કરન્સી બજારમાં આજે બંધ બજારે રૂપિયા સામે ડોલરના ભાવ વિશ્વબજાર પાછળ રૂ.૮૫.૬૪ વાળા વધી રૂ.૮૫.૮૦થી ૮૫.૮૧ આસપાસ બોલાતા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં ચાંદીના ભાવ ૩૫.૯૮ ડોલર રહ્યા હતા. અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ કિલોના રૂ.૧૦૪૦૦૦ રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર રૂ.૯૬૭૫૭ વાળા રૂ.૯૫૭૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૯૭૧૪૫ વાળા રૂ.૯૬૧૦૦ રહ્યા હતા. જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર કિલોના રૂ.૧૦૫૨૮૫ વાળા રૂ.૧૦૫૦૦૦ રહ્યા હતા.
પેલેડીયમના વૈશ્વિક ભાવ વધી ૧૦૫૨ ડોલર રહ્યા હતા જ્યારે પ્લેટીનમના ભાવ વધી ૧૧૬૯ ડોલર છેલ્લે રહ્યા હતા. જોકે વૈશ્વિક કોપરના ભાવ છેલ્લે ૧.૭૨ ટકા ડાઉન રહ્યા હતા.
વૈશ્વિક ક્રૂડ તેલના ભાવ જોકે ઝડપી ઉંચકાયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલના વધી ૬૬.૬૭ થઈ છેલ્લે ભાવ ૬૬.૪૭ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ વધી ૬૪.૮૦ થઈ છેલ્લે ૬૪.૫૮ ડોલર રહ્યા હતા.