અમદાવાદમાં બોમ્બ ધમકીનો સિલસિલો યથાવત રહ્યો છે. આજે સવારે મદીનાથી હૈદરાબાદ જઈ રહેલી એક ઈન્ટરનેશનલ ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકી મળ્યા બાદ હવે ગુજરાત હાઈકોર્ટને પણ બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા તંત્રમાં દોડધામ મચી ગઈ છે.
મળતી માહિતી અનુસાર ગુજરાત હાઈકોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર એક નનામી ઈમેલ આવ્યો હતો. જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાઈકોર્ટ પરિસરમાં બોમ્બ પ્લાન્ટ કરવામાં આવ્યો છે અને તાત્કાલિક કોર્ટ ખાલી કરવામાં આવે. આ ગંભીર ધમકીના પગલે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ તાત્કાલિક હરકતમાં આવી ગઈ હતી.

ઉલ્લેખનીય છે કે, આજે જ મદીનાથી હૈદરાબાદ તરફ જઈ રહેલી ફ્લાઈટમાં બોમ્બ હોવાની ધમકીભર્યો ઇમેલ મળ્યો હતો. આ ગંભીર ધમકીને પગલે ફ્લાઈટને ડાયવર્ટ કરીને અમદાવાદ એરપોર્ટ પર સુરક્ષિત રીતે લેન્ડ કરાવવામાં આવી હતી. આ ઘટનાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં જ હાઈકોર્ટને નિશાન બનાવતી ધમકી મળતા સુરક્ષા વ્યવસ્થા પર સવાલો ઉભા થયા છે.
ઘટનાની જાણ થતાં જ બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો હાઈકોર્ટ પહોંચી ગઈ હતી અને પરિસરમાં ખૂણેખૂણાની તપાસ હાથ ધરી છે. જોકે, ગભરાટનું વાતાવરણ ન ફેલાય તે માટે હાઈકોર્ટનું ન્યાયિક કામકાજ રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવ્યું છે. હાલમાં પોલીસ દ્વારા આ ધમકીભર્યો ઈમેલ ક્યાંથી આવ્યો છે અને કોણે મોકલ્યો છે તેની તપાસ સાયબર ક્રાઈમની મદદથી કરવામાં આવી રહી છે.


