ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર એક શાનદાર હવાઇ પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે.
ભારતીય વાયુસેનાની સારંગ હેલિકોપ્ટર ડિસ્પ્લે ટીમ અંકલેશ્વર એરફિલ્ડ પર એક શાનદાર હવાઇ પ્રદર્શન કરીને ભરૂચ જિલ્લાના લોકોને મંત્રમુગ્ધ કરવા તૈયાર છે. વાઇબ્રન્ટ હેલિકોપ્ટર અને સચોટ ફોર્મેશન ઉડાન માટે ખાસ ઓળખાતી, સારંગ ટીમ 03 થી 05 ડિસેમ્બર 2025 દરમિયાન પ્રેક્ટિસ કરશે તેમજ 07 ડિસેમ્બર 2025ના રોજ એક ભવ્ય જાહેર પ્રદર્શન કરવામાં આવશે. અંકલેશ્વર એરસ્ટ્રીપ પર 07 ડિસેમ્બર 2025ના રોજ સવારે 9.30 વાગ્યાથી સારંગ પ્રદર્શન યોજાશે.

‘મોર’ પક્ષીના સંસ્કૃત શબ્દ પરથી અપનાવવામાં આવેલો સારંગ શબ્દ ભારતીય વાયુસેનાના ગૌરવપૂર્ણ હવાઇ રાજદૂત તરીકે ઉભરી આવે છે, જે પોતાના વાયુ યોદ્ધાઓના પ્રોફેશનલિઝમ, ચોકસાઈ અને અતૂટ પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે. આ ટીમની શરૂઆત કરવામાં આવી ત્યારથી, તેણે પોતાના તાલમેલપૂર્ણ એરોબેટિક દાવપેચથી દુનિયાભરના પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા છે.
હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) દ્વારા સ્વદેશી ધોરણે ડિઝાઇન કરવામાં અને વિકસાવવામાં આવેલા ‘ધ્રુવ એડવાન્સ્ડ લાઇટ હેલિકોપ્ટર (ALH)’ ઉડાડતી, સારંગ ટીમ આત્મનિર્ભરતાની ભાવનાને સાકાર કરે છે. તમામ પ્રકારના હવામાનમાં બહુવિધ મિશન માટે કામ કરી શકતું ધ્રુવ હેલિકોપ્ટર ભારતની વધતી જતી ટેકનોલોજિકલ તાકાતનું પ્રદર્શન કરે છે.
સારંગે વર્ષ 2004માં સિંગાપોરમાં એશિયન એરોસ્પેસ શોમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રથમ વખત પ્રદર્શન કર્યું હતું અને ત્યારથી તેઓ દુનિયાભરના 390થી વધુ સ્થળોએ 1,200 થી વધુ વખત પરફોર્મન્સ આપી ચૂક્યા છે. આ ટીમ અત્યંત ચપળ ALH Mk I વેરિઅન્ટને ઓપરેટ કરે છે, જે તેની શ્રેષ્ઠ ગતિશીલતા અને વિશ્વસનીયતા માટે પ્રખ્યાત છે. સારંગ ટીમ અંકલેશ્વરના આકાશમાં ઉડાન ભરશે, ત્યારે દર્શકોને ભારતીય વાયુસેનાની વિશિષ્ટ ઓળખ એટલે કે, હવાઇ શ્રેષ્ઠતા, શિસ્ત અને રાષ્ટ્રીય ગૌરવનું રોમાંચક પ્રદર્શન જોવા મળશે.


