જો તમે વિદેશ કામ કરવા જવાનું અથવા તો સ્થાયી થવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર ખાસ તમારા માટે જ છે. રશિયા દ્વારા વિદેશી પ્રોફેશનલને આકર્ષવા માટે એક ખાસ સ્કિલ વિઝા પ્રોગ્રામ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ ઓર્ડર પર રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ભારત પ્રવાસ પહેલા મંજૂરીની મહોર મારી હતી.
આ વિઝા પ્રોગ્રામનો હેતું બંને દેશોના વિકાસશીલ કરારોને વેગ આપવા અને મજબૂત બનાવવાનો છે. આ વિઝા સાયન્સ, ઈકોનોમિક્સ, ઔધોગિક, ભણતર, સાંસ્કૃતિક, વ્યાપાર અને રમતગમત જેવા ક્ષેત્રોના નિષ્ણાંતો માટે છે. આ માટે તેમને કોટા વગર કે રશિયન ભાષાની પરીક્ષા પાસ કર્યા વગર રશિયામાં કામ કરવા અને પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે.
રશિયા સ્કિલ વિઝા પ્રોગ્રામ હેઠળ વિદેશી અરજીકર્તાને ત્રણ વર્ષ સુધી ટેમ્પરરી રેસિડેન્સી મળી શકે છે. ખાસ કરીને પ્રાથમિકતા વાળા ક્ષેત્રમાં કામ કરવાવાળા લોકોને ડાયરેક્ટ રેસિડેન્સી આપવામાં આવશે. આનાથી પહેલાથી જ રશિયામાં કામ કરતા ભારતીયોને મોટી રાહત મળશે.

રશિયા સ્કિલ વિઝા પ્રોગ્રામ અંતર્ગત વિઝા પ્રક્રિયા બે તબક્કે કરવામાં આવશે. જેમાં પહેલા તબક્કામાં એક સ્થાપિત એજન્સીમાં અરજી કરવાની રહે છે. જેમાં એજન્સી અરજીને માન્યતા આપે છે, તો બીજા તબક્કામાં રશિયાના ઈમિગ્રેશન વિભાગમાં અસ્થાયી કે સ્થાયી નવાસ(ટેમ્પરરી રેસિડેન્સી કે પરમનેન્ટ રેસીડેન્સી) માટે અરજી કરી શકે છે. આ એજન્સી દ્વારા આપવામાં આવેલી મંજૂરી એક વર્ષ સુધી માન્ય ગણાશે.
અરજીકર્તા પોતાના દેશમાંથી જ રશિયા સ્કિલ વિઝા પ્રોગ્રામ હેઠળ ઓનલાઈન અરજી કરી શકશે.અરજી માન્ય થયા બાદ તેમને અને તેમના પરિવારને બિઝનેસ વિઝા મળશે. આમાં અરજીકર્તા રશિયા પહોંચ્યા બાદ પોતાના ડોક્યુમેન્ટ જમા કરી શકે છે. ઉલ્લેખનીય છે કે, અરજી પ્રક્રિયા દરમિયાન પણ અરજીકર્તા રશિયામાં કામ કરી શકે છે, અને આ માટે તેને અલગથી વર્ક પરમિટની જરૂર પડશે નહીં.
મોટાભાગની અરજીનો નિકાલ માત્ર 30 દિવસની અંદર આવે તેવી આશા રાખવામાં આવી છે. રશિયામાં વર્તમાન સમયમાં અંદાજે 14000 ભારતીય નાગરિકો, 1500થી વધુ ભારતીય મુળના અફઘાન નગરિકો અને 500 બિઝનેસમેન તેમજ 300 ભારતીય કંપનીઓ છે.


