કુડાસણ વિસ્તારના શુકન આઇ ફ્લેટમાં મોડી રાત્રે ફ્લેટના માલિકો અને પેઇંગ ગેસ્ટ (PG) તરીકે રહેતી યુવતીઓ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. માહોલ ગરમાતા આખરે ફ્લેટ માલિકોએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો.
ગાંધીનગર નજીક આવેલા કુડાસણ વિસ્તારના શુકન આઇ ફ્લેટમાં મોડી રાત્રે ફ્લેટના માલિકો અને પેઇંગ ગેસ્ટ (PG) તરીકે રહેતી યુવતીઓ વચ્ચે ઉગ્ર બબાલ થઈ હતી. ફ્લેટના માલિકોએ યુવતીઓ પર દારૂ પાર્ટી કરવા અને સતત ન્યૂસન્સ ફેલાવવાના ગંભીર આરોપો લગાવ્યા હતા.

મળતી માહિતી મુજબ, શુકન આઇ ફ્લેટમાં કેટલાક યુવાનો અને યુવતીઓ ભાડેથી રહીને PGનું સંચાલન કરી રહ્યા હતા. સ્થાનિક ફ્લેટ માલિકોએ આ PGમાં રહેતી યુવતીઓ રાત્રિ દરમિયાન છોકરાઓને બોલાવીને દારૂની પાર્ટીઓ કરતી હોવાનું અને અન્ય પ્રકારે સામાજિક ન્યૂસન્સ ફેલાવતી હોવાની ફરિયાદ કરી હતી. આ બાબતે ફ્લેટના માલિકે યુવતીઓને મકાન ખાલી કરવા માટે જણાવ્યું હતું, પરંતુ યુવતીઓએ મકાન ખાલી કરવાની સ્પષ્ટ ના પાડી હતી અને માલિક સાથે રકઝક કરી હતી. સોસાયટીના મામલાને શાંત પાડવા માટે મહિલા ચેરમેન સહિત અન્ય સભ્યોએ યુવતીઓને સોસાયટીના નિયમ પ્રમાણે રહેવા માટે સમજાવટ કરી હતી, પરંતુ યુવતીઓ અને તેમાં રહેતા અન્ય યુવકોએ મકાન ખાલી કરવાની ના પાડવા સાથે ધમકીઓ પણ ઉચ્ચારી હોવાના અહેવાલ છે.
મામલો વધુ બિચકતા અને મોડી રાત્રે માહોલ ગરમાતા આખરે ફ્લેટ માલિકોએ ઇન્ફોસિટી પોલીસ સ્ટેશનનો સંપર્ક કર્યો હતો. પોલીસે ઘટનાસ્થળે પહોંચીને પરિસ્થિતિને થાળે પાડી હતી. પોલીસે હાલમાં બંને પક્ષોની રજૂઆતો સાંભળી છે અને PG સંચાલકો તેમજ યુવતીઓ વિરુદ્ધ કાયદેસરની ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે, જેથી સોસાયટીમાં શાંતિ અને નિયમન જળવાઈ રહે.


