અમદાવાદના વાળીનાથ ચોક નજીક ડમ્પર અને એક્ટિવા વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો, જેમાં જમાઈની ખબર કાઢવા જઈ રહેલા દંપતી પૈકી પત્નીનું માથું છુંદાઈ જવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું. આ કરૂણ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
અમદાવાદ શહેરના વાળીનાથ ચોક વિસ્તારમાં ગત 13 ડિસેમ્બરના રોજ સાંજે એક અત્યંત કરૂણ અકસ્માત સર્જાયો હતો. ચાંદલોડિયા વિસ્તારમાં રહેતા 45 વર્ષીય ગાયત્રીબેન પ્રજાપતિ તેમના પતિ મનોજભાઈ સાથે એક્ટિવા પર પાંજરાપોળ સ્થિત હોસ્પિટલમાં તેમના જમાઈની ખબર પૂછવા જઈ રહ્યા હતા.જ્યારે આ દંપતી વાળીનાથ ચોક પાસે આવેલા બીઆરટીએસ બસ સ્ટેન્ડ નજીક પહોંચ્યું, ત્યારે પાછળથી પૂરઝડપે આવી રહેલા AMCના ડમ્પરચાલકે તેમના એક્ટિવાને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર વાગતા જ દંપતી રોડ પર પટકાયું હતું.

દુર્ભાગ્યવશ, ગાયત્રીબેન રોડ પર પડ્યા કે તરત જ ડમ્પરનું પાછળનું વ્હીલ તેમના માથા પરથી ફરી વળ્યું હતું. ગંભીર ઈજા થવાને કારણે ગાયત્રીબેનનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું, જ્યારે તેમના પતિ મનોજભાઈને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
અકસ્માતની આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ છે. ઘટનાની જાણ થતાં જ બી ડિવિઝન ટ્રાફિક પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી અને વધુ તપાસ શરૂ કરી છે.મૃતક ગાયત્રીબેન ઘરકામ કરતા હતા અને તેમને 12 વર્ષની અને 23 વર્ષની એમ બે દીકરીઓ છે. આ ગમખ્વાર અકસ્માતમાં તેમની બંને દીકરીઓએ પોતાની માતા ગુમાવી છે, જેના કારણે પરિવાર પર આભ તૂટી પડ્યું છે.


