વલસાડ જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે બાતમીના આધારે ઉમરગામના બીલીયા ગામ પાસે વોચ ગોઠવીને એક સફેદ કલરની બલેનો કારમાંથી વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે કારની પાછળની સીટ અને ડીકીના ભાગે તપાસ કરતા વ્હીસ્કી અને બીયરના કુલ ૨૮ બોક્સ (૯૬૦ નંગ બાટલી/ટીન) મળી આવ્યા હતા, જેની કિંમત ₹૨,૯૬,૮૮૦/- આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે વાપીના ૫૯ વર્ષીય કાર ચાલક પ્રદિપ રમણભાઈ પટેલની ધરપકડ કરી ₹૫ લાખની કાર અને મોબાઈલ ફોન સહિત કુલ ₹૮,૦૨,૩૮૦/-નો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ દારૂનો જથ્થો માણેક નામના ઇસમે ભરી આપ્યો હતો અને તે નવસારીના ચીખલીના લિસ્ટેડ બુટલેગર મિલન ઉર્ફે મિલન ચરી ભરતભાઈ પટેલે મંગાવ્યો હતો. પોલીસે પકડાયેલા શખ્સ અને વોન્ટેડ જાહેર કરાયેલા બંને બુટલેગરો વિરુદ્ધ ઉમરગામ મરીન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



