બલીઠા જકાતનાકા બ્રિજ પાસે નાકાબંધી દરમિયાન પોલીસે દારૂના 90 બોક્સ ઝડપ્યા; ધરમપુરનો ચાલક જેલભેગો, માલ મંગાવનાર વોન્ટેડ
વાપી ટાઉન પોલીસે બાતમીના આધારે નેશનલ હાઈવે નંબર 48 પર બલીઠા જકાતનાકા બ્રિજ પાસે વિદેશી દારૂના જંગી જથ્થા સાથે એક શખ્સને દબોચી લીધો છે. પોલીસને બાતમી મળી હતી કે દમણથી એક સફેદ કલરની બંધ બોડીની પીકઅપ ગાડી (નંબર MH-43-BX-6020) માં દારૂનો જથ્થો સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે નાકાબંધી કરી તપાસ કરતા પીકઅપમાંથી વિદેશી દારૂની કુલ 2712 નંગ બાટલીઓ (90 બોક્સ) મળી આવી હતી, જેની કિંમત ₹8,69,040/- આંકવામાં આવી છે. આ કાર્યવાહીમાં પોલીસે ધરમપુરના બીલપુડી ગામના ચાલક વિશાલભાઇ જયેશભાઇ પટેલની ધરપકડ કરી છે અને ₹3 લાખની ગાડી તથા મોબાઈલ સહિત કુલ ₹11,74,040/-નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસે દારૂનો જથ્થો મંગાવનાર અજાણ્યા મોબાઈલ નંબર ધારક ઈસમને વોન્ટેડ જાહેર કરી વાપી ટાઉન પોલીસ મથકે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.



