ભરૂચ લોકલ ક્રાઈમ બ્રાન્ચે (LCB) અંકલેશ્વર નજીક બુલેટ ટ્રેન પ્રોજેક્ટની સાઈટ પરથી લોખંડના સામાનની ચોરી કરતી ટોળકીનો પર્દાફાશ કરી બે આરોપીઓની ધરપકડ કરી છે.

પોલીસ પેટ્રોલિંગ દરમિયાન મળેલી ચોક્કસ બાતમીના આધારે પુનગામ પાટિયા પાસે વોચ ગોઠવવામાં આવી હતી, જ્યાંથી શંકાસ્પદ હાલતમાં પસાર થતા એક આઈસર ટેમ્પોને અટકાવી તપાસ કરતા તેમાંથી ૨૬૦૦ કિલો ચોરીનો લોખંડનો ભંગાર મળી આવ્યો હતો. આ મામલે પોલીસે ગડખોલના જનતા નગર ખાતે રહેતા ચંદ્રશેખર માનસિંગ વર્મા અને જગદીશ ધનજી પ્રજાપતિની ધરપકડ કરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું હતું કે, આરોપીઓએ સરફુદ્દીન ખાલપીયા સાઈટ પર નર્મદા નદીના કિનારે સંગ્રહ કરેલા પ્રોજેક્ટના સામાનને ગેસ કટરથી કાપીને ચોરી કરી હતી. પોલીસે ₹૭૫,૦૦૦નો ભંગાર, આઈસર ટેમ્પો અને મોબાઈલ ફોન મળી કુલ ₹૫,૯૦,૪૦૦નો મુદ્દામાલ કબજે કર્યો છે. આ ચોરીમાં સંડોવાયેલા અન્ય ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.


