જેતપુરની રબારીકા ચોકડી પાસે એક બેફામ ગતિએ આવતા અજાણ્યા કન્ટેનર ટ્રક ચાલકે એક્ટિવાને જોરદાર ટક્કર મારતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક્ટિવા ચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.

મળતી માહિતી મુજબ, મૃતક વ્યક્તિની ઓળખ અશ્વિનભાઈછ ગીનોયા તરીકે થઈ છે. તેઓ જ્યારે પોતાના એક્ટિવા પર સવાર થઈને પસાર થઈ રહ્યા હતા, ત્યારે કાળમુખા કન્ટેનરે તેમને અડફેટે લીધા હતા. અકસ્માત એટલો ભયાનક હતો કે અશ્વિનભાઈને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું હતું.
અકસ્માત સર્જ્યા બાદ માનવતા નેવે મૂકી કન્ટેનર ચાલક પોતાનું વાહન લઈને ઘટનાસ્થળેથી નાસી છૂટ્યો હતો. આ સમગ્ર અકસ્માતની લાઈવ ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે, જેના આધારે પોલીસ તપાસ તેજ કરવામાં આવી છે. અકસ્માત બાદ સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને મૃતદેહને પીએમ અર્થે જેતપુરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો.
ઘટનાની જાણ થતા જ જેતપુર પોલીસ કાફલો ઘટનાસ્થળે અને હોસ્પિટલ પહોંચ્યો હતો. પોલીસે અજાણ્યા કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી, CCTV ફૂટેજના આધારે તેની શોધખોળ હાથ ધરી છે. હાઈવે પર વારંવાર બનતી આવી ઘટનાઓને પગલે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
REPOTER : સુરેશ ભાલીયા જેતપુર,


