E-Paper
Monday, March 2, 2026
E-Paper
HomeGujaratGujarat : ભાજપ સરકાર દ્વારા એજન્સીઓ ના દુરુપયોગના આક્ષેપ સાથે પોરબંદરમાં કોંગ્રેસનું...

Gujarat : ભાજપ સરકાર દ્વારા એજન્સીઓ ના દુરુપયોગના આક્ષેપ સાથે પોરબંદરમાં કોંગ્રેસનું રસ્તા રોકો આંદોલન

નેશનલ હેરાલ્ડ કેસમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી અને કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને અદાલત તરફથી મળેલી રાહતના પગલે ભાજપ સરકાર સામે આક્રમક વલણ અપનાવી પોરબંદરમાં આજે કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરવામાં આવ્યું હતું. આંદોલન દરમિયાન કમલાબાગ પોલીસે ૨૦થી વધુ કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.


કોંગ્રેસના આક્ષેપ મુજબ કેન્દ્ર સરકાર દ્વારા તપાસ એજન્સીઓનો દુરુપયોગ કરી રાજકીય વેરભાવના કારણે કોંગ્રેસના નેતાઓને ફસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નેશનલ હેરાલ્ડ કેસમાં ઈડી દ્વારા દાખલ કરાયેલી ચાર્જશીટ અને મની લોન્ડરિંગની ફરિયાદને દિલ્હી કોર્ટ દ્વારા ફગાવી દેવામાં આવતા ભાજપ સરકારનો રાજકીય એજન્ડા ખુલ્લો પડી ગયો હોવાનો કોંગ્રેસે દાવો કર્યો હતો.
આ મુદ્દે રાજ્યવ્યાપી વિરોધ કાર્યક્રમના ભાગરૂપે પોરબંદરમાં શહેરના ટ્રાફિકથી ધમધમતા હાર્મની સર્કલ ચાર રસ્તા ખાતે કોંગ્રેસના કાર્યકર્તાઓએ ભાજપ સરકાર વિરુદ્ધ નારા લગાવી રસ્તા રોકો આંદોલન કર્યું હતું. કોંગ્રેસે જણાવ્યું હતું કે, ન્યાયતંત્રના નિર્ણયથી મોદી સરકાર દ્વારા તપાસ એજન્સીઓનો કરવામાં આવેલ દુરુપયોગ સ્પષ્ટ થયો છે અને મુખ્ય વિરોધ પક્ષને ડરાવવા માટે રચાયેલ ષડયંત્ર નિષ્ફળ ગયું છે.
કોંગ્રેસના આગેવાનોએ વધુમાં કહ્યું હતું કે, સત્ય, ન્યાય અને લોકશાહીની જીતના આ અવસરે “સત્યમેવ જયતે”ના નારા સાથે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. શાસક પક્ષના દબાણ હેઠળ સીબીઆઈ અને ઈડી જેવી એજન્સીઓનો ઉપયોગ કરી વિરોધ પક્ષના નેતાઓને હેરાન કરવામાં આવે છે, પરંતુ અંતે ન્યાયની જીત થાય છે.
આ સંદર્ભે પોરબંદરમાં આજે તા. ૨૦/૧૨/૨૦૨૫ના રોજ સવારે ૧૧:૩૦ કલાકે હાર્મની હોટલ ફુવારા પાસે પોરબંદર જિલ્લા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.
આ વિરોધ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રામભાઈ મારુ, વરિષ્ઠ આગેવાન નારણભાઈ ચાંચીયા, મહામંત્રી પોપટભાઈ ચાંચીયા, શહેર કોંગ્રેસ પ્રમુખ રાજવીરભાઈ બાપોદરા, મહામંત્રી કાંતિભાઈ બુધેચા, ઉપપ્રમુખ જયેશભાઈ ઓડેદરા, માલધારી સેલના પ્રમુખ રામભાઈ ઉલવા, મહિલા કોંગ્રેસ પ્રમુખ હીરાબેન ચામડિયા, શહેર મહિલા પ્રમુખ શાંતાબેન મારુ, લઘુમતી સેલના હનીફભાઈ દુફાની, કુતિયાણા તાલુકાના નારણભાઈ ભાટુ, માછીમાર આગેવાન લાલજીભાઈ ગોસિયા, શૈલેષભાઈ જુંગી, પૂર્વ જિલ્લા પ્રમુખ રાજુભાઈ ઓડેદરા, ઇકબાલ રાવડા, સેવાદળના મહિલા પ્રમુખ મયુરીબેન થાનકી, સ્વેતા બેન મેઘનાથી સહિત મોટી સંખ્યામાં કોંગ્રેસના હોદેદારો, કાર્યકર્તાઓ અને મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામની કમલાબાગ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.
રિપોર્ટર: વિરમભાઈ કે. આગઠ

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments