E-Paper
Tuesday, March 3, 2026
E-Paper
HomeIndiaNational : ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ

National : ઉ. ભારતમાં કાતિલ ઠંડી, ગાઢ ધુમ્મસ : 300 ફ્લાઈટ રદ

ઉત્તર ભારતમાં જમ્મુ-કાશ્મીરથી લઈને છેક પશ્ચિમ બંગાળ સુધી અનેક વિસ્તારોમાં ઠંડી અને ગાઢ ધુમ્મસના કારણે ઝિરો વિઝિબિલિટીના કારણે સામાન્ય જનજીવન ખોરવાયેલું રહ્યું હતું. દિલ્હીમાં ગાઢ ધુમ્મસના કારણે દોઢ દિવસમાં ૩૦૦થી વધુ ફ્લાઈટ રદ કરવી પડી હતી જ્યારે ઉત્તર પ્રદેશના નોઈડા, ગાઝિયાબાદ સહિતના વિસ્તારોમાં ધુમ્મસના કારણે ફ્લાઈટ, ટ્રેનોના શેડયુલ ખોરવાઈ ગયા હતા. પશ્ચિમ બંગાળમાં ધુમ્મસના કારણે કોલકાતાથી પીએમ મોદીનું હેલિકોપ્ટર પણ ઊડી શક્યું નહોતું. બીજીબાજુ જમ્મુ-કાશ્મીરમાં હાડ ગાળતી ઠંડીનો ૪૦ દિવસનો ચિલ્લાઈ કલાન સમય શરૂ થયો હતો.શિયાળાની કાતિલ ઠંડીનો સમય શરૂ થતા જ દિલ્હીમાં સિઝનની સૌથી પહેલી કોલ્ડ વેવ અનુભવાઈ હતી તેમજ આ વર્ષે ડિસેમ્બર મહિનાનો સૌથી ઠંડો દિવસ નોંધાયો હતો. હવામાન વિભાગે શનિવારે ગાઢ ધૂમ્મસના પગલે ઓરેન્જ એલર્ટ જાહેર કરી હતી. દિલ્હી અને આજુબાજુના વિસ્તારોમાં ગાઢ ધુમ્મસના કારણે ઝિરો વિઝિબિલિટીની હવાઈ ઉડ્ડયન, ટ્રેન અને ટ્રાફિક પર ગંભીર અસર પડી હતી. 

દિલ્હી એરપોર્ટ પર વિઝિબિલિટી અત્યંત ઓછી હોવાના કારણે ૭૦૦થી વધુ ફ્લાઈટ્સના સંચાલન પર અસર થઈ હતી. શનિવારે ૧૨૯ ફ્લાઈટ્સ રદ કરી દેવાઈ હતી. આ સાથે છેલ્લા દોઢ દિવસમાં કુલ ૩૦૯ ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. આ સિવાય અનેક ફ્લાઈટ્સ વિલંબથી ચાલતા હજારો પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. બે આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ પણ રદ કરાઈ હતી.

રાજધાની દિલ્હીમાં ટ્રેનોના પરિવહન પર પણ અસર થઈ હતી. પટના તેજસ રાજધાની, દુરંતો એક્સપ્રેસ, સંપૂર્ણ ક્રાંતિ એક્સપ્રેસ, વિક્રમશિલા સુપરફાસ્ટ જેવી ટ્રેનો નિર્ધારિત સમય કરતાં ઘણી વિલંબથી ચાલી રહી હતી.

દિલ્હી ઉપરાંત ઉત્તર પ્રદેશના નોઈડા અને ગાઝિયાબાદમાં પણ ગાઢ ધુમ્મસ છવાયેલું રહ્યું હતું, જેને પગલે હવાઈ સેવા પર અસર થઈ હતી. વારાણસીમાં ૩૦ સહિત અન્ય શહેરોમાં અનેક ફ્લાઈટ્સ રદ કરવી પડી હતી. હવામાન વિભાગે જણાવ્યું કે, છેલ્લા ૨૪ કલાકમાં પવન પ્રતિ કલાક ૧૧ કિ.મી.ની ગતિએ ફૂંકાઈ રહ્યો હતો. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશમાં રવિવાર અને સોમવાર માટે પણ યલો એલર્ટ જાહેર કરી છે. એટલે કે ઉત્તર પ્રદેશના અનેક વિસ્તારોને હાલ ઠંડી અને ધુમ્મસથી રાહત મળવાની શક્યતા નથી.

હિમાલયન રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ-કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડમાં ગાઢ ધુમ્મસની સાથે ઠંડીએ ભારે કેર વર્તાવ્યો હતો. જમ્મુ-કાશ્મીરમાં ૪૦ દિવસનો હાડ ગાળતી ઠંડીનો ‘ચિલ્લાઈ કલાન’ સમય શનિવારથી શરૂ થયો હતો. આ સમયમાં પર્વતીય પ્રદેશોમાં મધ્યમથી ભારે હિમવર્ષાની આગાહી કરાઈ છે. ચિલ્લાઈ કલાન પ્રત્યેક વર્ષે ૨૧ ડિસેમ્બરથી શરૂ થઈને ૩૧ જાન્યુઆરી સુધી ચાલે છે.

પંજાબ અને હરિયાણામાં પણ  ઠંડીનો પ્રકોપ જોવા મળ્યો હતો. પંજાબના ફરિદકોટમાં શનિવારે તાપમાન ૪.૯ ડિગ્રીથી નીચે જતુ રહ્યું હતું, જે પંજાબમાં સૌથી ઠંડુ શહેર બન્યું હતું જ્યારે હરિયાણામાં જિંદમાં સૌથી નીચું ૫.૨ ડિગ્રી સે. તાપમાન નોંધાયું હતું. જમ્મુ-કાશ્મીરમાં પુલવામા માઈનસ ૩.૨ ડિગ્રી સાથે સૌથી ઠંડુ સ્થળ રહ્યું હતું. શ્રીનગરમાં તાપમાન માઈનસ ૦.૪ ડિગ્રી સે. નોંધાયું હતું.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular

Recent Comments