અમદાવાદમાંથી મૂંગા જીવ પ્રત્યેની ક્રૂરતાની એક અત્યંત હચમચાવનારી ઘટના સામે આવી છે. નવા વાડજ વિસ્તારમાં એક પાષાણ હૃદયના યુવકે જીવતી બિલાડીને કોથળામાંથી કાઢી પથ્થરો મારીને મોતને ઘાટ ઉતારી હતી. આ અમાનવીય કૃત્યનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. વાડજ પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરી મુખ્ય આરોપીની અટકાયત કરી છે.

વિકૃત માનસિકતા
મળતી માહિતી અનુસાર, શહેના નવા વાડજમાં સહજ હાઇટ્સ પાસે આવેલા કોર્પોરેશનના ખાલી પ્લોટમાં એક એક્ટિવા પર બે યુવકો અને એક બાળક આવ્યા હતા. તેમની પાસે એક સફેદ કોથળો હતો જેમાં એક જીવતી બિલાડી હતી. એક યુવકે પ્રથમ કોથળો જમીન પર પછાડ્યો અને ત્યારબાદ બિલાડી બહાર નીકળતા તેના પર પાંચથી વધુ વખત ભારે પથ્થરો ઝીંક્યા હતા. આટલેથી ન અટકીને, યુવકે તરફડતી બિલાડીના મોઢા પર પગ મૂકી તેને કચડી નાખી હતી. હદ તો ત્યારે થઈ જ્યારે આ ક્રૂર કૃત્ય કર્યા બાદ યુવકે બિલાડીના મૃતદેહ પાસે બેસીને વિકૃત રીતે ફોટા પણ પડાવ્યા હતા.
રહીશે કેમેરામાં કેદ કરી લીધી આખી ઘટના
આ સમગ્ર અમાનવીય દ્રશ્યો બાજુની બિલ્ડિંગમાં રહેતા એક જાગૃત નાગરિકે પોતાના કેમેરામાં કેદ કરી લીધા હતા. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા જ જીવદયા પ્રેમીઓ એક્ટિવાના નંબર સાથે વાડજ પોલીસ મથકે પહોંચ્યા હતા અને આરોપીઓ સામે કડક પગલાં લેવાની માંગ કરી હતી.
પોલીસ એક્શન: પશુ ક્રૂરતા નિવારણ એક્ટ હેઠળ ગુનો
વીડિયો અને એક્ટિવાના નંબરના આધારે વાડજ પોલીસે ગણતરીના કલાકોમાં મુખ્ય આરોપીની ઓળખ કરી તેને દબોચી લીધો છે. પોલીસે આરોપી સામે ‘પશુ ક્રૂરતા નિવારણ અધિનિયમ’ અને ભારતીય ન્યાય સંહિતાની સંબંધિત કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.


