ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરો (ACB) એ મહેસાણા જિલ્લામાં વડનગર સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક (વર્ગ-૧) ડો. હર્ષિદ લક્ષ્મણભાઈ પટેલને ₹૨૦,૦૦૦/- ની લાંચ લેતા રંગેહાથ ઝડપી પાડ્યો છે.આ કેસની વિગત મુજબ, ફરિયાદી જાગૃત નાગરિકને વડનગર સિવિલ હોસ્પિટલ ખાતે ખાનગી ગાડી પૂરી પાડવાનો કોન્ટ્રાક્ટ મળેલો છે. આ ગાડીઓના માસિક બિલો મંજૂર કરાવવા તેમજ લોગબુકમાં સહીઓ કરાવવા માટે તબીબી અધિક્ષક ડો. હર્ષિદ પટેલે ફરિયાદી પાસે રૂ. ૨૦,૦૦૦/- ની લાંચની માંગણી કરી હતી.
ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે મહેસાણા એ.સી.બી. એકમનો સંપર્ક કર્યો હતો. જેના આધારે સિવિલ હોસ્પિટલ સ્થિત તબીબી અધિક્ષકની કચેરીમાં જ લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી ડોક્ટરે ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી લાંચના નાણાં સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેને દબોચી લીધો હતો.

એ.સી.બી.એ લાંચની ₹૨૦,૦૦૦/- ની રકમ રિકવર કરી આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ કામગીરી મહેસાણા એ.સી.બી.ના પી.આઈ. એસ.ડી. ચાવડા અને સુપરવિઝન અધિકારી એ.કે. પરમારના માર્ગદર્શન હેઠળ કરવામાં આવી હતી.


