વીતેલા સપ્તાહની શરૂઆત તેજી સાથે કર્યા પછી સોનાએ મંગળવારે વૈશ્વિક બજારમાં પ્રતિ ઔંસ 3,500 ડોલરની વિક્રમી ટોચ બનાવી હતી. જોકે તે પછી સપ્તાહના સોનાના ભાવમાં તેજીની ચાલ અટકી હતી અને બુધ-ગુરુ અને શુક્ર એમ સતત ત્રણ દિવસોમાં સોનામાં ઘટાડો નોંધાયો હતો.
આ ઘટાડા માટે ચીન અને યુએસ વચ્ચેનું ટ્રેડ વોર હવે હળવું થશે અને યુએસ પ્રેસિડેન્ટે ફેડરલ રિઝર્વના ચેરમેન પોવેલને બદલવામાં નહીં આવે એવા જે સંકેતો આપ્યા તે બાબત જવાબદાર હતી, કારણ કે આ બન્ને પરિબળોના કારણે ડોલરમાં પાછી વધારાતરફી ચાલ શરૂ થતાં સોનામાં ઘટાડાનું વલણ જોવા મળ્યું હતું. હવે આગામી સમયગાળામાં ટૂંકા ગાળાની દ્રષ્ટિએ સોનામાં ચાલ કેવી રહેશે તે બાબત ચીન-અમેરિકા વચ્ચેના ટ્રેડ સંબંધો કેવો આકાર લે છે અને આગામી સપ્તાહમાં યુએસના ચાવીરૂપ મેક્રો ઇકોનોમિક ડેટા જાહેર થવાના છે તેની પર આધાર રાખે છે.
દરમિયાન ચીન અને અમેરિકાના ટ્રેડ રિલેશન કેવો આકાર લેશે એનો સંકેત આપતા બે સમાચાર શનિવારે ચમક્યા હતા. એકમાં ટ્રમ્પે એવું જણાવ્યું હતું કે ચાઇનીઝ પ્રેસિડેન્ટે ફોન કરી તેમની સાથે વાત કરી છે. જોકે ચીને આ દાવાને ફગાવી દીધો હતો. બીજા સમાચાર એ હતા કે ચીને યુએસમાંથી આયાત થતી કેટલીક ચીજવસ્તુઓને 125 ટકા ડયુટીમાંથી રાહત આપી છે. આ બન્ને સમાચાર યુએસ અને ચીન વચ્ચેના ટ્રેડ રિલેશન હવે વધુ બગડશે તો નહીં જ એવો સંકેત જરૂર આપે છે. બીજી તરફ રોકાણકારો હવે આગામી સપ્તાહે 30મી એપ્રિલે જાહેર થનારા યુએસના ચાલુ વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળાના જીડીપી વૃદ્ધિદરના આંકડા શું હશે તેની રાહ જોઇ રહ્યા છે. બજારને સંબંધિત ત્રિમાસિક ગાળામાં જીડીપીનો વૃદ્ધિદર 0.4 ટકા રહેશે એવી ધારણા છે, જે વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં નોંધાયેલા 2.4 ટકાના વૃદ્ધિદર કરતાં ઘણો ઓછો છે. જો આ પ્રકારે જીડીપી વૃદ્ધિદર આટલા નોંધપાત્ર પ્રમાણમાં ઘટે તો તેની ત્વરિત પ્રક્રિયારૂપે સોનાના ભાવમાં વધારો થઇ શકે છે. નિષ્ણાતોની ધારણા મુજબ ફેડરલ રિઝર્વ દ્રારા મે મહિનામાં વ્યાજદરમાં ઘટાડો કરવામાં આવે એવી કોઇ શક્યતા નથી અને જુનમાં પણ વ્યાજદર ઘટાડાય એવી શક્યતા માત્ર 40 ટકા જેટલી જ છે. જોકે પ્રથમ ત્રિમાસિક ગાળઆનો વૃદ્ધિદર નબળો રહે તો જુનમાં વ્યાજદરમાં ઘટાડો કરાય એ શક્ય છે. આનીથી વિપરીત જો વૃદ્ધિદર એક ટકા જેટલો રહે તો યુએસ ડોલર મજબૂત થઇ શકે છે અને સોનામાં ઘટાડાતરફી ચાલ જોવા મળી શકે છે. ત્યારબાદ 2જી મે, શુક્રવારના રોજ યુએસના લેબર માર્કેટના ડેટા જાહેર થવાના છે. આ ડેટા મુજબ જો રોજગારીનો દર ઘટે તો યુએસ ડોલર ફરી દબાણ હેઠળ આવશે અને સોનામાં તેજીતરફી ચાલ શરૂ થઇ શકે છે. જોકે આ રોજગારી વધે તો જુનમાં વ્યાજદરમાં ઘટાડાની શક્યતા ઓછી થઇ શકે છે અને સોનાના ભાવ ઘટી શકે છે. આ ઉપરાંત ચીન અને યુએસ વચ્ચેનું ટ્રેડ વોર કેવા આકાર લે છે તેની પર પણ સોનાના રોકાણકારોની નજર રહેશે. જો બન્ને પક્ષો ટ્રેડ વોર અંતર્ગત લાદેલી ટેરિફમાં થોડી પણ પીછેહટ કરવા તૈયાર થાય તો સોનાની માગ ઘટતા ભાવમાં પણ ઘટાડા તરફી ચાલ જોવા મળી શકે છે.