અંકલેશ્વરના ONGC રોડ પર પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સના માર્કેટિંગ માટે રીલ બનાવવા જતાં તોડફોડ અને ભયનું વાતાવરણ ઉભું કરનાર પાંચ શખ્સોને અંકલેશ્વર પોલીસે ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું છે.
અંકલેશ્વરના સરગમ કોમ્પ્લેક્સ સામે આવેલા પટેલ ઓટો કન્સલ્ટન્ટ્સ દ્વારા એક જાહેરાત સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી હતી. આ વીડિયોમાં એક કાળા રંગની સ્કોર્પિયો ગાડી ફૂલ ઝડપે આવે છે અને તેમાંથી લાકડીઓ સાથે કેટલાક યુવકો ઉતરીને રસ્તા પર પાર્ક કરેલી બાઈકની તોડફોડ કરે છે. જાણે કોઈ ગેંગવોર થતી હોય તેવા દ્રશ્યો ઊભા કરી સીસીટીવી ફૂટેજ સ્ટાઈલમાં આ રીલ તૈયાર કરવામાં આવી હતી.

આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ એક્શનમાં આવી હતી. પોલીસે તપાસ કરતા માલૂમ પડ્યું કે આ કોઈ હકીકત નહીં પણ ગેરેજના પ્રમોશન માટે બનાવેલી રીલ હતી, જેમાં જાહેર માર્ગ પર અડચણ ઉભી કરી લોકોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા હતા. પોલીસે આ મામલે ગુનો નોંધી ગેરેજ સંચાલક સહિત પાંચેય આરોપીઓની ધરપકડ કરી છે.
ઝડપાયેલા આરોપીઓના નામ
૧. ઝાકીર સિરાજ ભૈયાત
૨. ઝેડ જહીદ ખાન પટેલ
૩. મિનાજ બાબુભાઈ પટેલ
૪. શેબાજ શબ્બીરભાઈ વોહરા
૫. એહજાજ ઐયુબ પટેલ
પોલીસે આ તમામ વિરુદ્ધ જાહેરનામા ભંગ, માર્ગ પર અડચણ ઉભી કરવી અને ભયનું વાતાવરણ ફેલાવવા બદલ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે સંદેશ આપ્યો છે કે રીલ બનાવવાના નામે કાયદાનું ઉલ્લંઘન કરનારને છોડવામાં આવશે નહીં.


