કપડવંજની લાલ માંડવા ગામે સરકારી જમીનમાં ગેરકાયદે ૩૭ વૃક્ષોનું નિકંદન કાઢવા મામસલે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવતા શખ્સ સામે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા કલમ -૩ હેઠળ તકરારી કેસ દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

લાલ માંડવા ગામે અરજદાર દ્વારા લેખિતમાં ગેરકાયદેસર વૃક્ષ છેદનની પ્રવૃત્તિની રજૂઆત બાદ તાલુકા વિકાસ અધિકારી દ્વારા ૬-૧૨-૨૫-ના રોજ તપાસ કરતા લાલ માંડવા ગામની સરકારી જમીનમાં જુના ગામતળ જમીનમા બાબુ મિયાં નબીમિયા પઠાણ દ્વારા બિન પરવાનગી અને ગેરકાયદેસર લીલા ઉભા કણજ, તેમજ બાવળના નાના મોટા મળીને અંદાજીત કુલ ૩૭ વૃક્ષો કાપેલા છે. કાપેલાનો વૃક્ષોનો થોડો ભાગ સ્થળ પર પડેલો છે તેમજ થોડો માલ તેમના ઘરની આગળ પડેલ છે. બાબુમીયા નબીમીયા પઠાણ દ્વારા લાલ માંડવા ગ્રામ પંચાયતની કોઈ પણ પ્રકારની પૂર્ર્વ પરવાનગી લીધા વગર જાણ બહાર નાના મોટા વૃક્ષો કાપેલા છે. વૃક્ષ છેદનને લગતી કાર્યવાહી તાલુકા વિકાસ અધિકારીના કાર્યક્ષેત્રમાં આવતી ના હોવાથી તેમના દ્વારા ઈમેલ દ્વારા મામલતદારને આ વૃક્ષ છેદનની સમગ્ર ઘટનાનો રીપોર્ટ કરી કાર્યવાહી કરવા જાણ કરતા મામલતદાર દ્વારા ઈમેલ રીપોર્ટના આધારે સૌરાષ્ટ્ર વૃક્ષ છેદન ધારા કલમ -૩ હેઠળ તકરારી કેસ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.


