પશ્ચિમ રેલવેના વડોદરા રેલવે સ્ટેશન પર લાઇન નં. 3 પર એન્જિનિયરિંગ વિભાગ દ્વારા કમ્પ્લીટ ટ્રેક રિન્યૂઅલ (CTR) કામગીરી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી માટે તા.24 ડિસેમ્બરથી આગામી 25 દિવસનો બ્લોક લેવામાં આવ્યો છે. બ્લોકના કારણે અમદાવાદ મંડળથી ચાલતી કેટલીક પેસેન્જર અને એક્સપ્રેસ ટ્રેનોના સંચાલન પર અસર થશે.

રેલવે વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ, ટ્રેન નં. 69108 અમદાવાદ-વડોદરા મેમૂ તા. 24 ડિસેમ્બરથી તા.17 જાન્યુઆરી સુધી બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને બાજવા-વડોદરા વચ્ચે આ ટ્રેન આંશિક રીતે રદ રહેશે. એ જ રીતે, ટ્રેન નં. 69102 અમદાવાદ-વડોદરા મેમૂ પણ આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ થશે અને બાજવા–વડોદરા વિભાગમાં રદ રહેશે. આ ઉપરાંત, ટ્રેન નં. 19036 અમદાવાદ-વડોદરા ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ તા. 24 ડિસેમ્બરથી તા. 17 જાન્યુઆરી દરમિયાન બાજવા સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે અને બાજવા-વડોદરા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. વડોદરાથી અમદાવાદ તરફ જતી ટ્રેનોમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. ટ્રેન નં. 69107 વડોદરા-અમદાવાદ મેમૂ તા. 24 ડિસેમ્બરથી તા. 17 જાન્યુઆરી દરમિયાન બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વચ્ચે આંશિક રીતે રદ રહેશે. તેવી જ રીતે, ટ્રેન નં. 19035 વડોદરા-અમદાવાદ ઇન્ટરસિટી એક્સપ્રેસ પણ આ સમયગાળા દરમિયાન બાજવા સ્ટેશનથી શોર્ટ ઓરિજિનેટ થશે અને વડોદરા-બાજવા વિભાગમાં રદ રહેશે.


