ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે બાતમી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે છેલ્લા ૧૧ વર્ષથી ઘરફોડ ચોરી અને લૂંટના અનેક ગુનાઓમાં નાસતા-ફરતા રીઢા ગુનેગારને અમદાવાદ ખાતેથી દબોચી લીધો છે. વર્ષ ૨૦૧૪થી કાયદાની પકડથી દૂર રહેલા આ આરોપીની ધરપકડથી અનેક ગુનાઓના ભેદ ઉકેલાય તેવી શક્યતા છે.
ભરૂચ બી ડિવિઝનના પી.આઈ. વી.એસ. વણઝારા અને તેમની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે, વર્ષ ૨૦૧૪ના ઘરફોડ ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપી અપ્પો ઉર્ફે અમરસિંગ વરસિંગભાઇ બારીયા (મૂળ રહે. દાહોદ) હાલ અમદાવાદમાં ઓળખ છુપાવી મજૂરી કામ કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વ્યૂહાત્મક રીતે અમદાવાદમાં દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો.
પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે પકડાયેલ આરોપી માત્ર ભરૂચ જ નહીં, પરંતુ રાજ્યના અન્ય શહેરોમાં પણ ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. તેની સામે
ભરૂચ શહેર સી ડિવિઝન, ગાંધીનગર (ડભોડા પોલીસ મથક),
સુરત (ખટોદ્રા પોલીસ મથક)
ખાતે લૂંટ અને ઘરફોડ ચોરીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે.

આરોપી છેલ્લા એક દાયકા કરતા વધુ સમયથી ધરપકડ ટાળવા સતત રહેઠાણ અને ઓળખ બદલી રહ્યો હતો.
૧૧ વર્ષ બાદ ઝડપાયેલા આ આરોપીને ભરૂચ બી ડિવિઝન પોલીસે હાલ અટકાયતમાં લીધો છે. પ્રાથમિક પૂછપરછ અને કાયદેસરની વિધિ પૂર્ણ કર્યા બાદ, તેને આગળની તપાસ માટે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ સ્ટેશનને સુપ્રત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.


