થર્ટી ફર્સ્ટની ઉજવણી નિમિત્તે શહેર પોલીસ દ્વારા બંદોબસ્તની સ્કીમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે.નવા વર્ષની ઉજવણી દરમિયાન કોઇ અનિચ્છનિય બનાવ ના બને તે માટે શહેર પોલીસના ૨ હજાર થી વધુ જવાનો તૈનાત રહેશે.

વિદાય લેતા વર્ષને ગુડબાય અને નવા વર્ષને આવકારવા માટે વડોદરા શહેરમાં પણ ફતેગંજ સહિતના સ્થળોએ હજારો લોકો ઉમટી પડતા હોવાથી ટ્રાફિકની પણ સમસ્યા સર્જાતી હોય છે. લોકો શાંતિપૂર્ણ રીતે નવાવર્ષની ઉજવણી કરી શકે તેમજ કોઇ પણ અનિચ્છનિય બનાવ ના બને તે હેતુથી પોલીસ કમિશનર દ્વારા બંદોબસ્તની સ્કીમ તૈયાર કરવામાં આવી રહી છે.
થર્ટી ફર્સ્ટની રાતે દારૃના નશામાં કોઇ યુવકો છાકટા ના બને તેમજ બ્રિજ કે રસ્તાઓ પર સ્ટંટબાજી ના કરે તે માટે પોલીસ વિશેષ તકેદારી રાખશે.પોલીસ દ્વારા સીસીટીવી ફૂટેજની સાથે ડ્રોન કેમેરા નો પણ ઉપયોગ કરવામાં આવશે.આ દિવસે તમામ ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ હાજર રહેશે.પ્રાથમિક વિગતો મુજબ,શહેરના ૧૧ જેટલા એન્ટ્રી પોઇન્ટ તેમજ બીજા ૫૫ જેટલા પોઇન્ટ પર પોલીસની ટીમો ચેકિંગ કરશે.જેમાં મહિલા પોલીસનો પણ સમાવેશ થાય છે.આ ઉપરાંત નવલખી જેવા ગ્રાઉન્ડો પર પણ પોલીસ પેટ્રોલિંગ કરશે.
થર્ટી ફર્સ્ટ ઉજવવા લોકો ભેગા થતા હોય તેવા ૨૧ સ્પોટ પર ખાસ નજર
થર્ટી ફર્સ્ટની ઉજવણી માટે લોકો ભેગા થતા હોય કે વધુ અવરજવર હોય તેવા સ્પોટને પોલીસ અલગ તારવી રહી છે.આવા સ્પોટમાં ફતેગંજ, સયાજીગંજ, ડેરીડેન,અકોટા બ્રિજ, ફતેગંજ બ્રિજ જેવા સ્થળો મુખ્ય છે.અગાઉની સ્કીમ મુજબ અંદાજે ૨૧ જેટલા સ્પોટ પર પોલીસ વિશેષ નજર રાખતી હોય છે.પોલીસ દ્વારા ડ્રોન કેમેરા મારફતે પણ નજર રાખવામાં આવનાર છે.
ફતેગંજમાં 31મી ડિસેમ્બરે સાંજ પછી અવરજવર બંધ


