મોરબીમાં રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. આસપાસના લોકોની સતર્કતાને કારણે તસ્કર ફરાર થયો હતો.
મોરબી શહેરમાં તસ્કરો હવે ધોળા દિવસે પણ ચોરીના પ્રયાસો કરતા અચકાતા નથી. ગઈકાલે મોરબીમાં એક રિક્ષામાંથી ચોરી કરવાનો પ્રયાસ કરવાની ઘટના સામે આવી છે. જોકે, આસપાસના લોકોની સતર્કતાને કારણે તસ્કર પોતાના મનસૂબામાં સફળ રહ્યો નહોતો અને તેણે ત્યાંથી ભાગવું પડ્યું હતું. આ સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે.મળતી વિગતો અનુસાર, ગઈકાલે એક રિક્ષા ચાલકે પોતાની રિક્ષા ઊભી રાખી હતી, તે દરમિયાન એક અજાણ્યો ઇસમ રિક્ષા પાસે આવ્યો હતો. આ શખ્સે રિક્ષામાં રાખેલી કોઈ કિંમતી વસ્તુ કે રોકડ ચોરવાના ઈરાદે રિક્ષાની અંદર ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.

જ્યારે આ અજાણ્યો ઇસમ રિક્ષામાં ચોરી કરી રહ્યો હતો, ત્યારે જ પાછળ ઊભેલા કેટલાક જાગૃત નાગરિકોને તેની હરકતો પર શંકા ગઈ હતી. લોકો તેની નજીક પહોંચે તે પહેલા જ તસ્કરને અણસાર આવી ગયો હતો કે તે પકડાઈ જશે. આસપાસના લોકોએ તત્કાલ તે ઇસમનો પીછો કર્યો હતો અને તેને પકડવા માટે દોટ લગાવી હતી, પરંતુ તસ્કર ગલીઓમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.


