અજય દેવગનની ફિલ્મ ‘રેડ 2’ સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. આ ફિલ્મ આ વર્ષની સૌથી વધુ રાહ જોવાતી સિક્વલમાંની એક હતી. દર્શકો તેના પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. ‘રેડ 2’ વર્ષ 2025માં રિલીઝ થનારી બીજી ફિલ્મ છે જે બોલીવુડની હિટ લિસ્ટમાં સામેલ થઈ છે. આ પહેલા વિક્કી કૌશલની ‘છાવા’ ફિલ્મે આ સિદ્ધિ મેળવી હતી. 1 મેના રોજ રિલીઝ થયેલી ફિલ્મ ‘રેડ-2’એ પહેલા દિવસે 19.71 કરોડની કમાણી કરી હતી. ફિલ્મે બીજા દિવસે 13.05 કરોડ રૂપિયા, ત્રીજા દિવસે 18.55 કરોડ રૂપિયા અને ચોથા દિવસે 22.52 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.
‘રેડ-2’નું બોક્સ ઓફિસ કલેક્શન
‘રેડ-2’નું ભારતીય બોક્સ ઓફિસ પર ફિલ્મનું કુલ કલેક્શન 79 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. આ સાથે આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સુપરહિટ બની ગઈ છે. ‘રેડ-2’નું બજેટ 48 કરોડ રૂપિયા છે અને ફિલ્મે માત્ર ત્રણ દિવસમાં તેનું બજેટ પાછું મેળવી લીધું છે. આ ફિલ્મે વિશ્વભરમાં બોક્સ ઓફિસ પર 84.75 કરોડ રૂપિયાની કમાણી કરી છે.
ફિલ્મ ‘છાવા’ અને ‘રેડ-2’ એ બોલીવુડની બચાવી પ્રતિષ્ઠા
‘છાવા’ અને હવે ‘રેડ-2’ સિવાય, સુપરહિટ શ્રેણીમાં બીજી કોઈ ફિલ્મનો સમાવેશ થઈ શક્યો નહીં. ‘આઝાદ’, ‘ઇમર્જન્સી’, ‘સ્કાય ફોર્સ’, ‘મેરે હસબન્ડ કી બીવી’, ‘જાટ’ થી લઈને ‘સિકંદર’ સુધી, બધી જ ફિલ્મો બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઇ છે. આવી સ્થિતિમાં, બોલીવુડની વિશ્વસનીયતા ડગમગવા લાગી હતી. પરંતુ વિક્કી કૌશલની ફિલ્મ ‘છાવા’ ફેબ્રુઆરીમાં રિલીઝ થઈ હતી. આ પીરિયડ-ડ્રામા ફિલ્મે બોક્સ ઓફિસ પર ધૂમ કમાણી કરી હતી. ‘છાવા’ એ બોક્સ ઓફિસ પર 601.57 કરોડ રૂપિયા કમાવી પોતાનો અલગ જ રેકોર્ડ બનાવ્યો હતો.