નવા વર્ષના સ્વાગત માટે અમદાવાદ શહેર પોલીસ દ્વારા અભેદ્ય સુરક્ષા કવચ તૈયાર કરવામાં આવ્યું છે. પોલીસ કમિશનર જી.એસ. મલિકના માર્ગદર્શન હેઠળ શહેરભરમાં 9000થી વધુ પોલીસ જવાનો બંદોબસ્તમાં જોડાશે. ખાસ કરીને ભીડભાડવાળા વિસ્તારોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે 63 પોઈન્ટ અને 14 નવી ચેકપોસ્ટ ઉભી કરવામાં આવી છે. 31મી ડિસેમ્બરની રાત્રે શહેરમાં ડ્રગ્સ અને દારૂની હેરાફેરી રોકવા માટે પોલીસે ખાસ ડ્રાઈવ શરૂ કરી છે. ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસ પકડવા માટે 443 બ્રેથ એનાલાઈઝર અને પૂરઝડપે વાહન ચલાવનારાઓ માટે 29 સ્પીડ ગન કેમેરાનો ઉપયોગ કરવામાં આવશે.

સુરક્ષા વ્યવસ્થાને વધુ સઘન બનાવવા માટે 2560 બોડી વોર્ન કેમેરા અને હાઈટેક સર્વેલન્સ સિસ્ટમ કાર્યરત રહેશે. મહિલાઓની સુરક્ષા માટે 71 જેટલી SHE ટીમો સાદા કપડાંમાં પેટ્રોલિંગ કરશે, જેથી છેડતી કરનારા તત્વોને તાત્કાલિક ઝડપી શકાય. આ ઉપરાંત, ટ્રાફિકના નિયમન માટે સાંજે 6 વાગ્યાથી રાત્રિના 3 વાગ્યા સુધી સિંધુ ભવન રોડ, CG રોડ અને SG હાઈવે જેવા વ્યસ્ત વિસ્તારોમાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ અને રસ્તા ડાયવર્ટ કરવામાં આવ્યા છે. પોલીસના આ કડક એક્શન પ્લાનનો મુખ્ય હેતુ શહેરીજનો સુરક્ષિત રીતે નવા વર્ષની ઉજવણી કરી શકે તે સુનિશ્ચિત કરવાનો છે.


