રાજકોટના ભક્તિનગર વિસ્તારમાં મૂકબધિર યુવતીને બ્લેકમેલ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. યુવતીને ડરાવી-ધમકાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
રાજકોટના ભક્તિનગર વિસ્તારમાંથી માનવતાને શરમાવે તેવી એક ઘટના સામે આવી છે, જેમાં એક મૂકબધિર યુવતીની લાચારીનો ફાયદો ઉઠાવી તેને બ્લેકમેલ કરનાર બે શખ્સોને પોલીસે ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ યુવતીને ડરાવી-ધમકાવીને તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનું સામે આવ્યું છે.
આ સમગ્ર મામલાની વિગત એવી છે કે, પીડિત મૂકબધિર યુવતીના પાડોશમાં જ રહેતી એક તરુણીએ આ ગુનામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ તરુણી યુવતીને વિશ્વાસમાં લઈને બગીચામાં ફરવા લઈ ગઈ હતી. ત્યાં અગાઉથી ગોઠવાયેલા પ્લાન મુજબ, આરોપી યુવકોએ યુવતી સાથેના વાંધાજનક ફોટા પાડી લીધા હતા. આ ફોટા પાડવાનો મુખ્ય હેતુ યુવતીને ડરાવીને તેની પાસેથી પૈસા પડાવવાનો હતો.

ફોટા પાડ્યા બાદ આરોપીઓએ અસલી રંગ બતાવવાનું શરૂ કર્યું હતું. તેઓએ યુવતીને ધમકી આપી હતી કે જો તે તેઓની માંગણી પૂરી નહીં કરે, તો આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ કરી દેવામાં આવશે. યુવતી બોલી કે સાંભળી શકતી ન હોવાથી તે ગભરાઈ ગઈ હતી. આ ડરનો ફાયદો ઉઠાવીને આરોપીઓએ કટકે-કટકે યુવતી પાસેથી 7.70 લાખ રૂપિયા જેવી માતબર રકમ પડાવી લીધી હતી.
માત્ર આર્થિક લૂંટ જ નહીં, પણ આરોપીઓની નરધમતાની સીમા ત્યારે વટાવી ગઈ જ્યારે તેઓએ યુવતી સાથે શારીરિક અડપલાં પણ કર્યા. આ બાબતે પીડિતા માનસિક રીતે ભાંગી પડી હતી. આખરે આ મામલો પોલીસ સુધી પહોંચતા ભક્તિનગર પોલીસે ત્વરિત તપાસ હાથ ધરી હતી. ભક્તિનગર પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને બાતમીદારોની મદદથી આ ગુનામાં સંડોવાયેલા ઋત્વિક રાજાણી, સમીર ઉર્ફે નવાઝ દોઢિયા બે શખ્સોની ધરપકડ કરી છે.


