આ કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેઓ મિની કાશ્મીર જેવો અહેસાસ કરાવતા આ ખુશનુમા વાતાવરણની ભરપૂર મોજ માણી રહ્યા છે.
રાજસ્થાનના એકમાત્ર હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં હાલ ઠંડીનો પારો ગગડતા પ્રકૃતિનું અદભુત દ્રશ્ય જોવા મળી રહ્યું છે. ચાલુ સિઝનમાં તાપમાનનો પારો -3 ડિગ્રી સુધી નીચે પહોંચી જતાં આખું આબુ બરફની ચાદર નીચે ઢંકાઈ ગયું હોય તેવું લાગે છે. વહેલી સવારે ઘાસના મેદાનો, પાર્ક કરેલા વાહનોના કાચ અને ઘરોના નળિયા પર બરફના થર પથરાયેલા જોવા મળ્યા હતા. આ કડકડતી ઠંડી વચ્ચે પણ પ્રવાસીઓનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે, જેઓ મિની કાશ્મીર જેવો અહેસાસ કરાવતા આ ખુશનુમા વાતાવરણની ભરપૂર મોજ માણી રહ્યા છે.

વર્ષના અંતિમ દિવસોમાં રજાઓ ગાળવા આવેલા પ્રવાસીઓ માટે આ કુદરતી નજારો એક યાદગાર અનુભવ બની રહ્યો છે. વહેલી સવારે ગુલાબી ઠંડીમાં પ્રવાસીઓ ગરમ વસ્ત્રોમાં સજ્જ થઈને બરફ સાથે રમત કરતા અને ફોટોગ્રાફી કરતા જોવા મળે છે. ઠંડીના ચમકારાને કારણે નકી લેક અને આસપાસના વિસ્તારોમાં પણ ધુમ્મસભર્યું અને મનોહર વાતાવરણ સર્જાયું છે. પ્રવાસીઓના ભારે ધસારાને કારણે સ્થાનિક બજારો અને હોટલ વ્યવસાયમાં પણ તેજી જોવા મળી રહી છે, જ્યારે વહીવટી તંત્ર દ્વારા પણ સુરક્ષાના પૂરતા બંદોબસ્ત રાખવામાં આવ્યા છે.


