GUJCOST દ્વારા આયોજિત ‘નેશનલ STEM ક્વિઝ 4.0માં દેશભરના ધોરણ 9 થી 12ના કુલ 15,01,249 નોંધાયેલા વિદ્યાર્થીઓ ઐતિહાસિક ઓનલાઇન ક્વિઝમાં ભાગ લેશે.
ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ હેઠળ કાર્યરત GUJCOST દ્વારા આયોજિત ‘નેશનલ STEM ક્વિઝ 4.0’ હવે તેના નિર્ણાયક તબક્કે પહોંચી છે. દેશભરના તમામ રાજ્યો અને વિવિધ બોર્ડ્સમાંથી ધોરણ 9 થી 12ના કુલ 15,01,249 નોંધાયેલા વિદ્યાર્થીઓ આ ઐતિહાસિક ઓનલાઇન ક્વિઝ ઉત્સવમાં ભાગ લેવા જઈ રહ્યા છે.
ભારતની સૌથી મોટી STEM (Science, Technology, Engineering, Mathematics) શિક્ષણ પહેલ ગણાતી આ ક્વિઝનો મુખ્ય ઉદ્દેશ્ય યુવા પેઢીમાં વૈજ્ઞાનિક અભિગમ અને જિજ્ઞાસા જગાવવાનો છે. 2.00 કરોડની STEM સ્કોલરશિપ અને પ્રોત્સાહનો. પસંદગી પામેલા વિદ્યાર્થીઓને પ્રતિષ્ઠિત NFSU, ગાંધીનગર ખાતે બૂટ કેમ્પમાં ભાગ લેવાની તક મળશે. વિજેતાઓને BARC, DRDO, ઇસરો (SAC) અને સાયન્સ સિટી જેવી પ્રીમિયર સંસ્થાઓની મુલાકાત કરાવી પ્રેરણા આપવામાં આવશે.

વિદ્યાર્થીઓ તેમની અનુકૂળતા મુજબ નીચે દર્શાવેલ સમયગાળા દરમિયાન ઓનલાઇન ભાગ લઈ શકશે 7 જાન્યુઆરી 2026 થી 10 જાન્યુઆરી 2026 સુધી. 7મી જાન્યુઆરી સવારે 11:00 કલાકે શરૂ થશે અને 10મી જાન્યુઆરી સાંજે 6:00 કલાકે પૂર્ણ થશે.વેબસાઇટ: www.stemquiz.gov.in
GUJCOST દ્વારા વિદ્યાર્થીઓની સહાયતા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે,અંગ્રેજી અને ગુજરાતી ભાષામાં નમૂનાના પ્રશ્નો સાથેની પુસ્તિકા વેબસાઇટ પર ઉપલબ્ધ છે. પ્રશ્નોના સ્વરૂપથી પરિચિત થવા માટે અગાઉ ત્રણ દિવસની મૉક ટેસ્ટ વિન્ડો પણ પૂરી પાડવામાં આવી હતી.
આ ક્વિઝ માત્ર એક સ્પર્ધા નથી, પરંતુ ‘આત્મનિર્ભર ભારત’ અને ‘વૈજ્ઞાનિક રીતે સજ્જ સમાજ’ના નિર્માણ માટેનું એક રાષ્ટ્રીય આંદોલન છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓની ભાગીદારી એ બાબતની સાક્ષી પૂરે છે કે ભારતીય યુવાનોમાં વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રત્યે અભૂતપૂર્વ ઉત્સાહ છે. GUJCOST એ તમામ નોંધાયેલા વિદ્યાર્થીઓને નિર્ધારિત સમયમાં ક્વિઝ પૂર્ણ કરી આ જ્ઞાન ઉત્સવમાં સહભાગી થવા માટે હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.


