મહારાષ્ટ્રના સતારામાં જ્યારે ભારતીય સેનાના જવાન પ્રમોદ જાધવને અંતિમ વિદાય કરવામાં આવી તો આખું ગામ શોકમાં ડુબી ગયું. દુર્ઘટનામાં જીવ ગુમાવનાર જવાનની પત્નીને હોસ્પિટલમાંથી સ્ટ્રેચર પર પતિના અંતિમ દર્શન માટે લાવવામાં આવી હતી જ્યારે તેની આઠ કલાક પહેલા જન્મેલી દિકરી પણ પિતાને જોવા માટે પણ ખોળામાં લાવી. સેનાની સલામી, વિખેરાયેલો પરિવાર.. આ દ્રશ્ય જોઈને આખુ ગામ હિબકે ચઢ્યું હતું.
મહારાષ્ટ્રના સતારામાં એક એવી કહાની સામે આવી જેને લોકોની આંખમાં આંસુ લાવી દીધા છે. દરેક ચહેરા પર શોકના વાદળ હતા દરેકના મનમાં દુખ હતું. ગામની શેરીઓમાં જ્યારે તિરંગામાં લપેટાયેલો એક પાર્થિવ દેહ પસાર થઈ રહ્યો હતો તો લોકો હાથ જોડીને શિશ ઝુકાવી રહ્યા હતા. આ અંતિમ યાત્રા ભારતીય સેનાના વીર જવાન પ્રમોદ જાધવની હતી તેમને અંતિમ વિદાય આપવામાં આવી રહી હતી.

પ્રમોદ જાધવ થોડાક દિવસ પહેલા જ રજા લઈને આવ્યા હતા. તેમની પત્ની પ્રેગ્નેન્ટ હતી. દરેક એ ક્ષણની રાહ જોઈ રહ્યા હતા કે નાનકડું મહેમાન ક્યારે આવશે પણ કિસ્મતને તો કંઈક બીજુ જ મંજૂર હતુ એક દુખદ રોડ એક્સિડન્ટે પ્રમોદ જાધવનો જીવ લઈ લીધો. જે ઘરમાં ખુશી આવવાની હતી ત્યાં માતમ છવાઈ ગયો હતો.
પ્રમોદ જાધવના નિધનના થોડાક જ કલાક પછી તેમની પત્નીએ દિકરીને જન્મ આપ્યો. પિતા આ દુનિયામાંથી અલવિદા કહી ગયા અને આ દીકરીએ દુનિયામાં ડગલા માંડ્યા. આ જીવન અને મોત સાથેનું એવું ઘર્ષણ હતું જેને બધાને હચમચાવી નાંખ્યા હતા. જે બાળકીને તેના બાપના હાથમાં રમવાનું હતું તે જન્મતાની સાથે જ અનાથ થઈ ગઈ.
ગામમાં લોકોને ખબર પડી તો આખા ગામમાં શોક છવાઈ ગયો. જ્યારે સેના અને પ્રશાસનની હાજરીમાં અંતિમ સંસ્કારની તૈયારી શરૂ કરવામાં આવી તો દરેક આંખમાં આંસુ હતા. હૈયુ ચીરી નાંખે એવી ક્ષણ તો ત્યારે જોવા મળી જ્યારે પ્રમોદ જાધવની પત્નીને હોસ્પિટલમાંથી સીધા સ્ટ્રેચર પર અંતિમ દર્શન માટે લાવવામાં આવ્યા. હમણા જ ડિલેવરી થઈ હતી શરીર નબળુ હતુ પણ પતિને છેલ્લી વાર જોવા માટે તેમને અહીંયા લાવવામાં આવ્યા હતા. આંખોમાંથી આંસુ અટકતા નહોતા હોઠ કાંપી રહ્યા હતા જેને શબ્દોમાં વર્ણવી શકાય એવું નહતું.
જે દ્રશ્ય તેના પછી સામે આવ્યુ તેને સૌની આંખોમાં આંસુ લાવી દીધા હતા. માત્ર આઠ કલાક પહેલા જન્મેલી દિકરીને ખોળામાં લઈને તેના પિતા પાસે લાવવામાં આવી. નાનકડી બાળકી જેને હજુ દુનિયાની કોઈ સમજણ નથી તે તિરંગામાં લપેટાયેલા તેના પિતા સામે હતી. એ પિતા જેણે દેશની સેવા કરી પણ પોતાની દિકરીને ક્યારે ખોળામાં ન લઈ શક્યા. આ દ્રશ્ય જોઈને વૃદ્ધો પણ રડી પડ્યા.
સેના તરફથી રાજકીય સન્માન સાથે પ્રમોદ જાદવને સલામી આપવામાં આવી. બંદૂકથી હવામાં છોડવામાં આવેલી ગોળીનો અવાજ ગુંજી રહ્યો હતો પણ એ ગુંજમાં એક પરિવારની તૂટતી દુનિયા પણ સંભળાતી હતી. ગામના લોકો, સંબંધીઓ, પ્રશાસનિક અધિકારી સૌની આંખોમાં આંસુ હતું.


