વર્ષ 2025 દરમિયાન હોસ્પિટલે લાખો જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડીને રાજ્યની આરોગ્ય ક્ષમતાનો પરિચય આપ્યો છે.અમદાવાદની એશિયાની સૌથી મોટી ગણાતી સિવિલ હોસ્પિટલે વર્ષ 2025માં સેવાનો એક નવો અધ્યાય લખ્યો છે. જાહેર કરવામાં આવેલા તાજેતરના આંકડાઓ મુજબ, આ વર્ષ દરમિયાન હોસ્પિટલે લાખો જરૂરિયાતમંદ દર્દીઓને ગુણવત્તાયુક્ત અને નિઃશુલ્ક સારવાર પૂરી પાડીને રાજ્યની આરોગ્ય ક્ષમતાનો પરિચય આપ્યો છે.
વર્ષ 2025માં સિવિલ હોસ્પિટલની OPD (આઉટડોર પેશન્ટ ડિપાર્ટમેન્ટ) માં કુલ 11.60 લાખથી વધુ દર્દીઓ નોંધાયા હતા. આ આંકડો સ્પષ્ટ કરે છે કે માત્ર અમદાવાદ જ નહીં, પરંતુ સમગ્ર ગુજરાત અને પડોશી રાજ્યોમાંથી આવતા દર્દીઓ માટે સિવિલ હોસ્પિટલ પ્રથમ પસંદગી બની રહી છે. દરરોજ હજારોની સંખ્યામાં આવતા દર્દીઓને યોગ્ય નિદાન અને દવાઓ પૂરી પાડવા માટે હોસ્પિટલનું તંત્ર રાત-દિવસ કાર્યરત રહ્યું છે.

તબીબી સારવારના ક્ષેત્રમાં સર્જરી સૌથી મહત્વનું પાસું છે. વર્ષ 2025માં સિવિલમાં 54,000 થી વધુ નાના-મોટા ઓપરેશન્સ સફળતાપૂર્વક કરવામાં આવ્યા હતા. આ સાથે જ, સચોટ નિદાન માટે હોસ્પિટલની લેબોરેટરીમાં 34 લાખથી વધુ લેબ ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આટલી મોટી સંખ્યામાં ટેસ્ટ અને ઓપરેશન્સ હોસ્પિટલની અદ્યતન ટેકનોલોજી અને નિષ્ણાત તબીબોની ટીમની ક્ષમતા દર્શાવે છે.
નિદાન પ્રક્રિયાને વેગ આપવા માટે એક્સ-રે અને સીટી સ્કેન જેવી સુવિધાઓનો પણ મહત્તમ ઉપયોગ થયો છે. આંકડા મુજબ, વર્ષ દરમિયાન અંદાજે 3.98 લાખ એક્સ-રે અને 24,000 જેટલા સીટી સ્કેન કરવામાં આવ્યા હતા. મધ્યમ અને ગરીબ વર્ગના પરિવારો માટે આ મોંઘી તપાસો સિવિલમાં વિનામૂલ્યે ઉપલબ્ધ થતા લાખો લોકોને આર્થિક રાહત મળી છે. આમ, અમદાવાદ સિવિલ હોસ્પિટલ માત્ર એક હોસ્પિટલ તરીકે નહીં, પરંતુ લાખો પરિવારો માટે સંકટ સમયની સાંકળ સાબિત થઈ છે.


