વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે પશ્ચિમ બંગાળના માલદામાં એક જંગી જનસભાને સંબોધન કર્યું હતું. આ સાથે તેમણે દેશની પહેલી વંદે ભારત સ્લીપર ટ્રેનને લીલીઝંડી આપી હતી. તેમજ પશ્ચિમ બંગાળને હજારો કરોડ રૂપિયાના વિકાસકાર્યોની ભેટ આપતા કહ્યું હતું કે બંગાળમાં પણ અમે સુશાસન લાવીશું.
મહત્ત્વનું છે કે વંદે ભારત સ્લીપરની મહત્તમ સ્પીડ 180 કિલોમીટર પ્રતિ કલાક છે. એ પશ્ચિમ બંગાળના હાવડાથી ગુવાહાટી (કામાખ્યા) વચ્ચેનું 958 કિલોમીટરનું અંતર માત્ર 14 કલાકમાં કાપશે. ટ્રેનની કુલ મુસાફર ક્ષમતા 1128 છે. એના 16 કોચમાંથી 11 એસી-3 ટાયર કોચ, ચાર એસી-2 ટાયર કોચ અને એક ફર્સ્ટ એસી કોચ છે. સ્લીપર ટ્રેનના થર્ડ એસીનું ભાડું ₹2,300 નક્કી કરવામાં આવ્યું છે. સેકન્ડ એસીનું ભાડું ₹3,000 હશે. ફર્સ્ટ એસીનું ભાડું અંદાજે ₹ 3,600 છે. આ ટ્રેન હાવડા-ગુવાહાટી રૂટ પર મુસાફરીનો સમય લગભગ 2.5 કલાક જેટલો ઘટાડશે. હાલમાં, હાવડાથી ગુવાહાટી સુધીની ટ્રેનની મુસાફરીમાં લગભગ 18 કલાકનો સમય લાગે છે.

વંદે ભારત સ્લીપર ટ્રેનની ખાસિયતો
- મુસાફરીનો સમય: હાવડા અને ગુવાહાટી વચ્ચે મુસાફરીમાં અત્યારે લગભગ 17 કલાક લાગે છે, જે આ ટ્રેન શરૂ થવાથી ઘટીને 14 કલાક થઈ જશે.
- ઝડપ: આ ટ્રેન 180 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડવાની ક્ષમતા ધરાવે છે.
- કોચની સુવિધા: ટ્રેનમાં કુલ 16 આધુનિક કોચ છે, જેમાં કુલ 1128 મુસાફરો મુસાફરી કરી શકશે.
- આરામદાયક મુસાફરી: અત્યાર સુધીની વંદે ભારત ટ્રેનો માત્ર બેસવાની સુવિધા (ચેર કાર) આપતી હતી, પરંતુ આ સ્લીપર ટ્રેનમાં મુસાફરો રાત્રે આરામથી સૂઈને લાંબા અંતરની મુસાફરી કરી શકશે.
- ટેકનોલોજી: ટ્રેનમાં એરોડાયનેમિક ડિઝાઇન અને આધુનિક સસ્પેન્શન સિસ્ટમ છે, જેના કારણે ટ્રેનમાં ઝટકા અને અવાજ ઓછા અનુભવાશે.
ટિકિટનો અંદાજિત દર (ભાડું)
ટ્રેનમાં 11 એસી-3 ટિયર, 4 એસી-2 ટિયર અને 1 ફર્સ્ટ એસી કોચ છે. ભાડાની વિગત નીચે મુજબ છે:
- થર્ડ એસી (3AC): અંદાજે રૂ.2300
- સેકન્ડ એસી (2AC): અંદાજે રૂ.3000
- ફર્સ્ટ એસી (1AC): અંદાજે રૂ.3600


