રાજકોટના જાણીતા બિઝનેસ હબ ગણાતા એસ્ટ્રોન ચોક વિસ્તારમાં આજે સવારથી જ GST વિભાગની કામગીરીને પગલે વેપારીઓમાં ભારે ફફડાટ જોવા મળ્યો છે. ટેક્સ ચોરીની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ જીએસટી (SGST) વિભાગ દ્વારા મોબાઈલના મોટા ગજાના ધંધાર્થીઓને ત્યાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા છે.આ દરોડામાં ખાસ કરીને એસ્ટ્રોન ચોકમાં આવેલી ઉમિયા મોબાઈલ અને મેહુલ ટેલિકોમ જેવી પ્રતિષ્ઠિત પેઢીઓને નિશાન બનાવવામાં આવી છે. GST વિભાગની અલગ-અલગ ટીમોએ એકસાથે આ સ્થળો પર સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. અધિકારીઓ દ્વારા સ્ટોક રજિસ્ટર, વેચાણના આંકડા અને બેંક ખાતાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.

બિલ વગરનું વેચાણ GST વિભાગને લાંબા સમયથી બાતમી મળી હતી કે, શહેરની કેટલીક મોટી પેઢીઓ ગ્રાહકોને કાચા બિલ પર અથવા બિલ વગર મોબાઈલ વેચીને મોટા પાયે ટેક્સ ચોરી કરી રહી છે. કંપનીમાંથી આવતા માલ અને વાસ્તવિક વેચાણ વચ્ચેના આંકડામાં મોટા તફાવતની શંકાને આધારે આ કાર્યવાહી કરવામાં આવી છે.તપાસ દરમિયાન GST વિભાગે પેઢીના કમ્પ્યુટર્સ, હાર્ડડિસ્ક અને હિસાબી સાહિત્ય કબ્જે કર્યું છે. અધિકારીઓનું માનવું છે કે હાર્ડડિસ્કમાં ડિલીટ કરાયેલા ડેટા અને ઓફ ધ રેકોર્ડ વ્યવહારોની વિગતો મળી શકે છે. આ કાર્યવાહી હજુ પણ ચાલુ હોવાથી ટેક્સ ચોરીનો આંકડો લાખો કે કરોડોમાં પહોંચવાની પૂરેપૂરી શક્યતા છે. આ દરોડાને પગલે અન્ય મોબાઈલ વેપારીઓએ પણ પોતાની દુકાનોના શટર પાડી દીધા હોવાના અહેવાલો છે. રાજકોટમાં GSTની આ કાર્યવાહીથી બિન-હિસાબી ધંધો કરતા તત્વોમાં ભારે ફાળ પડી છે.


