સારોલી પોલીસે પવનકુમાર ગુર્જરને 14.39 લાખના મુદ્દામાલ સાથે પકડ્યો છે. વાપી ઉદ્યોગનગરમાં ઘરફોડ ચોરીના ગુનાનો સુરત પોલીસે ભેદ ઉકેલ્યો છે.
સુરતની સારોલી પોલીસને એક મોટી સફળતા મળી છે. વલસાડ જિલ્લાના વાપી ઉદ્યોગનગરમાં થયેલી લાખોની ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપીને સારોલી પોલીસ દ્વારા બાતમીના આધારે ઝડપી લેવામાં આવ્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આ શખ્સ રીઢો તસ્કર હોવાનું બહાર આવ્યું છે.
સારોલી પોલીસની ટીમે બાતમીના આધારે વોચ ગોઠવીને પવનકુમાર વાગારામ ગુર્જર નામના આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસ દરમિયાન આરોપી પાસેથી ચોરી કરવામાં આવેલા સોના-ચાંદીના કિંમતી દાગીના તેમજ રોકડ રકમ મળી આવી છે. પોલીસે કુલ રૂપિયા 14.39 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. વાપી ઉદ્યોગનગરમાં થયેલી આ ચોરીનો ભેદ ઉકેલાતા સુરત અને વલસાડ પોલીસ બંનેએ રાહતનો શ્વાસ લીધો છે.

પવનકુમાર ગુર્જરની ધરપકડ બાદ હવે પોલીસ તે દિશામાં તપાસ કરી રહી છે કે, તેને વાપી સિવાય અન્ય કયા વિસ્તારોમાં અથવા શહેરોમાં ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો છે. આ ચોરીમાં તેની સાથે અન્ય કોઈ સાગરિતો સામેલ છે કે કેમ, તે અંગે પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે. સારોલી પોલીસે આરોપીનો કબ્જો મેળવીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી છે.


