સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં પાણીપુરીના એકમો બાદ હવે પનાસ વિસ્તારમાં મન્ચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર ત્રાટકીને પાલિકાએ સપાટો બોલાવ્યો છે.
સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય વિભાગ હાલ એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે. શહેરમાં પાણીપુરીના એકમો બાદ હવે પનાસ વિસ્તારમાં મન્ચુરિયનના વડા બનાવતી સંસ્થાઓ પર ત્રાટકીને પાલિકાએ સપાટો બોલાવ્યો છે. વધતા જતા રોગચાળાને ધ્યાનમાં રાખીને સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન (SMC) દ્વારા આ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન પનાસ વિસ્તારમાં ચાલતા મન્ચુરિયનના એકમોમાં ભયંકર ગંદકી જોવા મળી હતી. ઉત્પાદન સ્થળ પર હાઈજેનિક કન્ડિશનનો અભાવ અને અત્યંત અસ્વચ્છ વાતાવરણમાં મન્ચુરિયનના વડા બનાવવામાં આવતા હોવાનું સામે આવ્યું હતું. અધિકારીઓએ સ્થળ પરથી મોટી માત્રામાં અખાદ્ય મન્ચુરિયનનો જથ્થો જપ્ત કર્યો છે, જે લોકોના સ્વાસ્થ્ય માટે જોખમી સાબિત થઈ શકે તેમ હતો.
પાલિકાના અધિકારીઓએ માત્ર જથ્થો જપ્ત કરીને સંતોષ માન્યો નથી, પરંતુ ગંદકી અને નિયમોના ઉલ્લંઘનને બદલે સંબંધિત સંસ્થાઓને ભારે દંડ પણ ફટકાર્યો છે. આરોગ્ય વિભાગે સ્પષ્ટ ચીમકી આપી છે કે લોકોના આરોગ્ય સાથે ચેડાં કરનાર કોઈપણ વેપારીને છોડવામાં આવશે નહીં. ચોમાસા અને વર્તમાન ઋતુમાં ફેલાતા રોગચાળાને અટકાવવા માટે પાલિકાની આ ઝુંબેશ આગામી દિવસોમાં અન્ય વિસ્તારોમાં પણ ચાલુ રહેશે.


