યુવકે વીડિયોમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓ તેને સતત પરેશાન કરી રહ્યા હતા અને છૂટાછેડા આપવાના બદલામાં તેની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.
ગીર ગઢડામાં એક યુવકે પત્ની અને સાસરિયા પક્ષના માનસિક ત્રાસથી કંટાળીને ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. આત્મહત્યા જેવું અંતિમ પગલું ભરતા પહેલા યુવકે સોશિયલ મીડિયા પર એક વીડિયો અપલોડ કર્યો હતો, જેમાં તેણે પોતાની આપવીતી વર્ણવી હતી. યુવકના જણાવ્યા અનુસાર, તેની પત્ની સાથે અણબનાવ થતા તે પિયર જતી રહી હતી અને ત્યારબાદ તેની સામે ભરણપોષણનો કેસ પણ કરવામાં આવ્યો હતો. યુવકે વીડિયોમાં ગંભીર આરોપ લગાવ્યો હતો કે તેના સાસરિયાઓ તેને સતત પરેશાન કરી રહ્યા હતા અને છૂટાછેડા આપવાના બદલામાં તેની પાસે 2 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી રહી હતી.

આ આર્થિક અને માનસિક દબાણ સહન ન કરી શકતા અંતે યુવકે મોતને વહાલું કર્યું છે. પત્ની પિયર ગયા બાદ સતત વધતા પારિવારિક વિખવાદ અને કાયદાકીય ગૂંચવણોને કારણે યુવક અત્યંત તણાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા યુવકના અંતિમ વીડિયોના આધારે પોલીસે હવે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. યુવકના પરિવારે આ મામલે જવાબદાર સાસરિયા પક્ષ સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. હાલમાં પોલીસે ગુનો નોંધી વધુ પુરાવા એકત્રિત કરવાની તજવીજ હાથ ધરી છે.


