ભાવનગરમાં સોશિયલ મીડિયા થકી સંપર્કમાં આવેલા યુવકે મહિલા પોલીસ કોન્સ્ટેબલને ધાકધમકી આપી દુષ્કર્મ આચર્યું છે. આ મામલે DYSP આર. આર. સિંઘલને તપાસ સોંપાઈ છે.
પોલીસ સામાન્ય નાગરિકોની રક્ષા માટે હોય છે. આવામાં મહિલા અત્યાચારના કિસ્સામાં પોલીસ મહિલાની મદદ કરી ન્યાય અપાવે છે. આવામાં જો મહિલા પોલીસ પર અત્યાચાર થાય તો? આવો જ એક કિસ્સો ભાવનગરમાંથી સામે આવ્યો છે. જ્યાં એક મહિલા પોલીસ કર્મચારી પર દુષ્કર્મની ઘટના સામે આવતા સમગ્ર પંથક અને પોલીસ બેડામાં ચકચાર મચી જવા પામ્યો છે.
ભાવનગરમાંથી કાયદો અને વ્યવસ્થાને પડકારતી એક અત્યંત શરમજનક ઘટના સામે આવી છે. ભાવનગર શહેરના ગંગાજળિયા પોલીસ મથકમાં એક મહિલા પોલીસ કર્મચારીએ જ પોતે દુષ્કર્મનો શિકાર બની હોવાની ફરિયાદ નોંધાવતા પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે. સોશિયલ મીડિયા પર થયેલી મિત્રતા બાદ આરોપીએ મહિલા કોન્સ્ટેબલ પર બળાત્કાર ગુજાર્યો હોવાની વિગતો પ્રકાશમાં આવી છે.

ઘટનાની મળતી પ્રાથમિક માહિતી અનુસાર, પીડિત મહિલા પોલીસ કર્મચારી અને આરોપી યુવક વચ્ચે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર સંપર્ક થયો હતો. સંપર્કમાં આવ્યા બાદ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. જોકે, આ મિત્રતાનો ગેરફાયદો ઉઠાવી આરોપીએ મહિલા પોલીસકર્મીને ડરાવી-ધમકાવીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આરોપીએ પીડિતાને ગંભીર પરિણામો ભોગવવાની ધાકધમકી આપી અનેકવાર આ કૃત્ય આચર્યું હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
20 જાન્યુઆરીની મોડી રાત્રે ગંગાજળિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસ વિભાગ એક્શનમાં આવ્યો છે. ઘટનાની સંવેદનશીલતાને જોતા, આ સમગ્ર કેસની તપાસ ભાવનગર સિટી DYSP આર. આર. સિંઘલને સોંપવામાં આવી છે. પોલીસ આરોપીની ધરપકડ કરવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. રક્ષક જ જ્યારે સુરક્ષિત ન હોય ત્યારે સામાન્ય જનતાની સુરક્ષા સામે પણ સવાલો ઉભા થયા છે. આ ઘટનાએ સમગ્ર ભાવનગરમાં ટોક ઓફ ધ ટાઉન બની છે.


