ભાવનગરના ઘોઘા પોલીસ મથકના PSO દિગ્વિજયસિંહ ગોહિલે ચાલુ ફરજે ઝેરી દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ઉપરી અધિકારીના પ્રેશરની આશંકા સાથે પોલીસ તપાસ શરૂ કરવામાં આવી છે.ભાવનગર જિલ્લાના ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા એક હેડ કોન્સ્ટેબલે રહસ્યમય સંજોગોમાં આત્મહત્યાનો પ્રયાસ કરતા સમગ્ર પોલીસ વિભાગમાં ચકચાર મચી ગઈ છે. ચાલુ ફરજ દરમિયાન ઝેરી દવા પી લેનારા પોલીસકર્મીને ગંભીર હાલતમાં ભાવનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

ઘટનાની મળતી વિગતો અનુસાર, ઘોઘા પોલીસ સ્ટેશનમાં PSO (પોલીસ સ્ટેશન ઓફિસર) તરીકે ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ દિગ્વિજયસિંહ ગોહિલ આજે પોતાની ડ્યુટી પર હતા. ફરજ દરમિયાન જ તેઓ પોલીસ મથકથી નીકળી નજીકના ભુતેશ્વર ગામ પાસે પહોંચ્યા હતા અને ત્યાં અચાનક ઝેરી દવા ગટગટાવી લીધી હતી. ઘટનાની જાણ થતા જ તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં હાલ તેમની તબિયત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.


