કેનેડાના બર્નાબી શહેરમાં ભારતીય મૂળના યુવાનની ગોળી મારીને હત્યાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે. પોલીસને આ ઘટના ગેંગ વોર સાથે જોડાયેલી હોવાની શંકા છે.કેનેડાના બ્રિટિશ કોલંબિયા પ્રાંતના બર્નાબી શહેરમાં ભારતીય મૂળના એક યુવાનની ગોળી મારીને નિર્દય હત્યા કરવામાં આવી છે. મૃતકની ઓળખ 28 વર્ષીય દિલરાજ સિંહ ગિલ તરીકે થઈ છે, જે વાનકુવરનો રહેવાસી હતો. આ ઘટનાએ કેનેડામાં ફરી એકવાર ગેંગ વોરની આશંકાને મજબૂત બનાવી છે.
બર્નાબી RCMP પોલીસના જણાવ્યા મુજબ, આ ઘટના 22 જાન્યુઆરી, 2026ના રોજ સાંજે લગભગ 5:30 વાગ્યે બની હતી. કેનેડા વેના 3700 બ્લોક વિસ્તારમાં ગોળીબાર થયો હોવાની જાણ થતાં પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. ત્યાં એક યુવાન ગંભીર રીતે ઘાયલ હાલતમાં મળ્યો હતો. પોલીસ અને તબીબી ટીમે તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવાનો પ્રયાસ કર્યો, પરંતુ હોસ્પિટલ પહોંચતા પહેલાં જ દિલરાજ સિંહ ગિલનું મોત નીપજ્યું હતું.
પોલીસે જણાવ્યું છે કે દિલરાજ અગાઉ પણ પોલીસના સંપર્કમાં રહ્યો હતો, જે આ કેસને વધુ સંવેદનશીલ બનાવે છે. ઘટનાના થોડા સમય બાદ પોલીસને બક્સટન સ્ટ્રીટના 5000 બ્લોક વિસ્તારમાંથી એક બળી ગયેલી કાર મળી આવી હતી. પ્રાથમિક તપાસમાં આ કાર હત્યા સાથે સીધી રીતે જોડાયેલી હોવાનું સામે આવ્યું છે. માનવામાં આવી રહ્યું છે કે હુમલાખોરોએ ઘટના પછી પુરાવા નષ્ટ કરવા માટે કાર સળગાવી હશે.

આ સમગ્ર મામલાની તપાસ હવે ઇન્ટિગ્રેટેડ હોમિસાઇડ ઇન્વેસ્ટિગેશન ટીમ (IHIT) દ્વારા કરવામાં આવી રહી છે. બર્નાબી RCMP, ફોરેન્સિક ટીમ (IFIS) અને BC કોરોનર્સ સર્વિસ સાથે મળીને પુરાવા એકત્ર કરી રહી છે. પોલીસે કહ્યું છે કે પ્રારંભિક તપાસ મુજબ આ હત્યા બ્રિટિશ કોલંબિયામાં ચાલી રહેલા ગેંગ ઝઘડાનો ભાગ હોઈ શકે છે.
સ્થાનિક કેનેડિયન મીડિયાના અહેવાલો અનુસાર, દિલરાજ સિંહ ગિલની હત્યાને આ મહિને એબોટ્સફોર્ડમાં થયેલી 28 વર્ષીય ઇન્ડો-કેનેડિયન નવપ્રીત ધાલીવાલની હત્યા સાથે જોડીને જોવામાં આવી રહી છે. નવપ્રીત ધાલીવાલ બ્રધર્સ કીપર્સ ગેંગ સાથે સંકળાયેલો હોવાનું માનવામાં આવે છે, જે UN ગેંગનો હરીફ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, દિલરાજ સિંહ ગિલના સંબંધ યુએન ગેંગ સાથે હોઈ શકે છે, જેના કારણે બંને હત્યાઓ ગેંગ વોરનો પરિણામ હોવાની શંકા મજબૂત બની છે. પોલીસે હાલ સ્થાનિક નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરી છે અને કોઈપણ શંકાસ્પદ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા જણાવ્યું છે. આ ઘટના બાદ કેનેડામાં રહેતા ભારતીય સમુદાયમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


